વિશ્વભરમાં ૧૭ જુલાઈએ વિશ્વ ઈમોજી દિવસ (World Emoji Day) મનાવવામાં આવે છે. સ્માર્ટફોન આવ્યા બાદ ઈમોજીનો ઉપયોગ ખૂબ વધ્યો છે. લોકો પોતાની લાગણી વ્યક્ત કરવા માટે મેસેજ લખવાને બદલે ઈમોજીનો ઉપયોગ વધારે કરે છે. ઈમોજીનો ઉપયોગ કરવાથી પોતાની લાગણી સારી રીતે વ્યક્ત કરી શકાય છે. લોકો સરળતાથી ઈમોજીની મદદથી રિએક્ટ કરી શકે છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર લાંબા જવાબ લખવાની જગ્યાએ આપણે ઈમોજીનો ઉપયોગ કરીએ છીએ. ઈમોજીનો ઉપયોગ હવે કોમન થઈ ચૂક્યો છે.
ઈમોજીનો અર્થ : 'ઈ'નો અર્થ 'ચિત્ર' અને 'મોજી'નો અર્થ 'પાત્ર' એટલે કે કોઈ શબ્દને વ્યક્ત કરવો અથવા ચિત્ર દ્વારા અનુભૂતિ કરવી તેને ઈમોજી કહેવામાં આવે છે. ઑનલાઈન રહેતા ૯૨ ટકા લોકો ઈમોજીનો ઉપયોગ કરે છે.
સૌ પ્રથમ ઈમોજીનો ઉપયોગ જાપાનીઓએ ઈમોટીકોન્સ દ્વારા વાતચીત કરવા તેમજ લાગણીની અભિવ્યક્તિ માટે કર્યો હતો. ઈમોજિપીડિયાના સ્થાપક જેરેમી બર્ગ દ્વારા ૧૭ જુલાઈ, ૨૦૧૪ના રોજ વિશ્વ ઈમોજી દિવસની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે ૧૭ જુલાઈને ‘વિશ્વ ઈમોજી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ઈમોજીનો ઉપયોગ સૌ પ્રથમ ૧૯૯૦માં શરૂ થયો હતો, જ્યારે ૧૭ જુલાઈ, ૨૦૦૨ના રોજ એપલે તેની કેલેન્ડર એપ્લિકેશન માટે ઈમોજીનો ઉપયોગ કર્યો. આ કારણે ઈમોજેપીડિયાએ ૧૭ જુલાઈને વિશ્વ ઈમોજી દિવસ તરીકે પસંદ કર્યો છે.
સૌથી પહેલા વર્ષ ૧૯૯૯માં જાપાની મોબાઈલ ઑપરેટીંગ કંપનીના એક એન્જિનિયર શિગેતાકા કુરિતાએ ઈમોજી બનાવી હતી. તેમણે એક મોબાઈલ ઈન્ટીગ્રેટેડ સર્વિસ આઈ-મોડ જાહેર કરવા માટે ૧૭૬ ઈમોજી બનાવી હતી. બાદમાં વર્ષ ૨૦૧૦માં યુનિકોડે ઈમોજીના ઉપયોગને માન્યતા આપી. ત્યારબાદ ગૂગલ, માઈક્રોસોફ્ટ, ફેસબુક અને ટ્વિટર જેવા ગ્લોબલ બ્રાન્ડ્સે ઈમોજીના પોતાના એડિશન બનાવવાનું શરૂ કર્યુ.
વર્ષ ૨૦૧૨-૨૦૧૩માં ઈમોજીનો ઉપયોગ એટલો લોકપ્રિય થયો કે ઑગસ્ટ ૨૦૧૩માં Oxford Dictionaryમાં ઈમોજી શબ્દ પણ ઉમેરવામાં આવ્યો. વિશ્વમાં યુનિકોડ સ્ટાન્ડર્ડમાં હાલમાં ૩૫૦૦થી વધુ ઈમોજીસ ઉપલબ્ધ છે. 'ફેસ વિથ ટીઅર્સ ઑફ જોય' એ વિશ્વનો સૌથી પ્રખ્યાત ઈમોજી છે, જેનો ઉપયોગ ફક્ત ટિટ્વટર પર બે અબજ કરતા વધારે વખત કરવામાં આવ્યો છે.
