નીતા રામૈયા એ ગુજરાતી કવિયત્રી, બાળ સાહિત્યના લેખિકા અને અનુવાદક છે.
નીતા રામૈયાનો જન્મ ૧૪ જુલાઈ ૧૯૪૧ ના દિવસે મોરબી, ગુજરાત ખાતે થયો હતો. તેમણે ૧૯૫૭ માં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો. ૧૯૬૦માં તેમણે અંગ્રેજી વિષયમાં બી.એ. અને ૧૯૬૨ માં એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો.૧૯૬૨ થી ૧૯૬૬ દરમિયાન તેમણે મુંબઈના એમ.જી.એસ.એમ. કૉલેજ, માટુંગામાં અધ્યાપન કર્યું. તેમણે કેનેડિયન સ્ટડીઝ સેન્ટર,એસ.એન.ડી.ટી. મહિલા વિશ્વવિદ્યાલયના નિયામક તરીકે પણ કામ કર્યું. અને નિવૃત્ત પ્રોફેસર તરીકે પણ સેવા આપી.
સાહિત્યસર્જન : તેઓ નારીવાદી કવિયત્રી છે, તેમનો કવિતા સંગ્રહ 'દાખલા તરીકે સ્ત્રી' પ્રકાશિત થયો હતો. તેમની કવિતાઓ સ્ત્રીની લાગણીઓ તેમજ સમાનતા અને ન્યાયની માંગ કરતા આત્મવિશ્વાસપૂર્ણ અવાજને પણ પ્રતિબિંબિત કરે છે. તેમના અન્ય કાવ્યસંગ્રહોમાં 'શબ્દને રસ્તે', 'તે જલપ્રદેશ છે', 'ઈરાન દેશ', 'રંગ દરિયો જી રે', 'મારી હથેળીમાં', 'જાસુદના ફૂલ'નો સમાવેશ થાય છે.
તેમણે બાળ સાહિત્યમાં પણ ફાળો આપ્યો છે. 'ધમાચકડી' અને 'ખિલ ખિલ ખિલ તુરુક તુરુક' એ તેમના બાળકોના કાવ્યસંગ્રહો છે. 'તને પારણીયે પોઢાડું' એ તેમનો હાલરડાંનો સંગ્રહ છે. 'લાલકુંવરની કુકરે કૂક' એ બાળકોની વાર્તા છે.
તેમણે કેનેડિયન કવિ માર્ગારેટ એટવુડની કેટલીક કવિતાઓના અનુવાદો 'કાવ્યવિશ્વ શ્રેણી' હેઠળ ૧૯૯૧ માં પ્રકાશિત કર્યા હતા. 'પાનું રાહ જુએ છે' એ કેનેડિયન કવિતાઓનો તેમનો અનુવાદ છે. 'કેનેડિયન શબ્દખંડ ભારતના પ્રવાસે', 'સ્ત્રીસુક્તા' ( મરાઠી કવિતાઓ), 'શેક્સપીયરના બોલતા પાત્રો', 'એક અજાણ્યો મારી નાવમાં' (વાર્તા), 'ઈરાન દેશનો સાંસ્કૃતિક ધબકાર : પર્સીયન કહવતો' તેમના અનુવાદો છે. વગેરે તેમની અન્ય કૃતિઓ છે.

