રામલાલ ચુનીલાલ મોદી (જન્મ : ૨૭ જુલાઈ, ૧૮૯૦ – અવસાન : ૧૪ જુલાઈ, ૧૯૪૯) ગુજરાતી લેખક, સંશોધક, સમીક્ષક અને ઇતિહાસકાર હતા. તેઓ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધન માટે, ખાસ કરીને મધ્યકાલીન કવિ ભાલણ પરના તેમના સંશોધન માટે જાણીતા છે. તેમને ૧૯૪૫-૫૦ના વર્ષનો મરણોત્તર નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
રામલાલ ચુનીલાલ મોદીનો જન્મ ૨૭ જુલાઈ, ૧૮૯૦ના રોજ પાટણ ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ચુનીલાલ નરભેરામ અને માતાનું નામ જડાવ હતું. ૧૯૦૮માં પાટણ હાઇસ્કૂલમાંથી મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેમણે ઊંઝા અને ચાણસ્માની મિડલ સ્કૂલના હેડમાસ્ટર તરીકે કાર્ય કર્યું હતું. ત્યારબાદ તેઓ પાટણ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા, અને મૃત્યુ પર્યંત ત્યાંજ સેવાઓ આપી હતી.
સાહિત્ય સર્જન : રામલાલ ચુનીલાલ મોદીએ મુખ્યત્વે જૂની ગુજરાતી અને ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસના ક્ષેત્રમાં મહત્વનું કાર્ય કર્યું છે. તેમણે કેટલાક ગ્રંથો ઉપરાંત ૧૫૦ જેટલા સંશોધનાત્મક લેખો પ્રકાશિત કરેલા છે. ૧૯૦૯માં 'ગુજરાતી શબ્દકોશ' નામનો તેમનો પ્રથમ લેખ 'બુદ્ધિપ્રકાશ' સામયિકમાં પ્રગટ થયો હતો. ૧૯૧૯માં તેમણે મધ્યકાલીન ગુજરાતી કવિ ભાલણ વિશે શાસ્ત્રીય રીતે લખેલું ચરિત્રાત્મક પુસ્તક 'ભાલણ' પ્રકાશિત કર્યું હતું. ૧૯૨૪માં તેમણે 'કવિ ભાલણકૃત બે નળાખ્યાન' સંશિધન ગ્રંથ પ્રકાશિત કર્યો હતો, જેને માટે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ૧૦૧ રૂ.નું પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેમણે જદુનાથ સરકારના મુઘલ ઍડમિનિસ્ટ્રેશન પુસ્તકનો ગુજરાતી અનુવાદ 'મુઘલ રાજ્યવહીવટ' શીર્ષક હેઠળ કરેલો છે. 'પાટણ-સિદ્ધપુરનો પ્રવાસ'એ તેમનો પ્રવાસ-વિષયક ગ્રંથ છે. 'કર્ણ સોલંકી' અને 'વાયુપુરાણ' એમના ઈતિહાસવિષયક ગ્રંથો છે.
પુરસ્કાર : ૧૯૪૫-૫૦ દરમિયાન તેમને ઇતિહાસ-સંશોધન માટે નર્મદ સાહિત્યસભા તરફથી મરણોત્તર નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.
તેઓ ૧૪ જુલાઈ, ૧૯૪૯ના રોજ રાજકોટ ખાતે અવસાન પામ્યા હતા.

