ફ્લાઈંગ ઑફિસર નિર્મલજીતસિંહ સેખોં (જન્મ : ૧૭ જુલાઈ, ૧૯૪૫ અવસાન : ૧૪ ડિસેમ્બર, ૧૯૭૧) ભારતીય વાયુસેનામાં અફસર હતા. તેમને ભારત-પાકિસ્તાનના વર્ષ ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન શ્રીનગર વાયુસેના હવાઈમથકનું પાકિસ્તાની વાયુસેના દ્વારા કરેલા હુમલા સામે એકહથ્થુ સંરક્ષણ કરવા માટે પરમવીર ચક્રથી મરણોપરાંત સન્માનિત કરવામાં આવ્યા હતા.
નિર્મલજીતસિંહ સેખોંનો જન્મ ૧૭ જુલાઈ, ૧૯૪૫ના રોજ પંજાબ રાજ્યના લુધિયાણા જિલ્લાના ઈસેવાલ (Issewal) ગામ ખાતે થયો હતો. તેઓ માસ્ટર વૉરન્ટ ઑફિસર અને માનદ ફ્લાઈટ લેફ્ટનન્ટ ત્રિલોકસિંહ સેખોંના પુત્ર હતા. નિર્મલજીતસિંહ સેખોં ૪ જુન, ૧૯૬૭ના રોજ ભારતીય વાયુસેનામાં પાયલોટ અફસર તરીકે નિયુક્તિ પામ્યા હતા.
વર્ષ ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ ૧૮મી સ્ક્વોડ્રન "ધ ફ્લાઈંગ બુલેટ્સ"માં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ શ્રીનગર વિમાન મથક પરથી નેટ લડાયક વિમાન ઉડાડતા હતા. ૧૪ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ શ્રીનગર વિમાન મથક પર પાકિસ્તાની વાયુસેનાના પેશાવર સ્થિત ૨૬ સ્ક્વોડ્રનના છ એફ-૮૬ વિમાનોએ હુમલો કર્યો. ફ્લાઈંગ ઑફિસર સેખોં તે સમયે ફરજ પર હતા. જેવો પ્રથમ વિમાને હુમલો કર્યો સેખોં બે નેટ વિમાનવાળી વ્યૂહરચનામાં બીજા નેટમાં હવામાં ચડવા આગળ વધ્યા. ફ્લાઈટ લેફ્ટનન્ટ ઘુમાન બીજા નેટ વિમાનમાં નેતૃત્વ કરતા હતા. જેવો શરૂઆતનો બોમ્બ રન વે પર પડ્યો તેઓ ઉડવા માટે આગળ વધ્યા. પ્રથમ નેટ હવામાં અદ્ધર થયું તેની પાછળ ધૂળ ઉડી જેણે ક્ષણવાર માટે સેખોંને પાછળ રાખી દીધા. પરંતુ તુરંત જ તેઓ પણ હવામાં હતા અને બે સેબર વિમાન તરફ તેઓ ધસી ગયા. બે નેટ જેવા હવામાં ચડ્યા તે સમયે જ નેતૃત્વ કરતા ઘુમાન, સેખોંના નેટને દૃષ્ટિમર્યાદામાંથી ખોઈ બેઠા અને બાકીની લડાઈ સેખોંને માટે એકલે હાથે લડવાની રહી. સેખોં એક સેબર પર સીધું જ નિશાન તાકવામાં સફળ રહ્યા. બીજાને પણ આગ ચાંપવામાં સફળ રહ્યા જે રાજૌરી તરફ ધૂમ્રસેર છોડતું જતું દેખાયું.
ત્યારબાદ નિર્મલજીતસિંહ સેખોંના વિમાન પર ગોળીઓ વાગી અને પરિસ્થિતિ જોતાં તેમને વિમાન મથક પર પાછા ફરવા સલાહ અપાઈ. એવું કહેવાય છે કે તેઓ થોડા સમય માટે વિમાનને સ્થિર કરવામાં સફળ થયા પરંતુ કદાચ નિયંત્રણ તંત્ર નિષ્ક્રિય થઈ જવાને કારણે વિમાન ઉલટું થયું અને નીચેની તરફ પડતું ગયું. આખરી ક્ષણે તેમણે વિમાનમાંથી બહાર ફેંકાવાની કોશિષ કરી જે નિષ્ફળ રહી. વિમાનનો કાટમાળ શ્રીનગર શહેરથી વિમાન મથક તરફ આવતા એક માર્ગ પાસેથી કોતરમાંથી મળ્યો. ભારતીય ભૂમિસેના અને વાયુસેનાના અથાગ પ્રયત્નો છતાં તેમનું પાર્થિવ શરીર ક્યારેય પણ મળી ન શક્યું.
નિર્મલજીત સિંહ સેખોંને તેમની બહાદુરી માટે યાદ કરાય છે અને પંજાબના અનેક શહેરોમાં તેમની મૂર્તિ ઉભી કરાઈ છે. વર્ષ ૧૯૮૫માં બાંધવામાં આવેલ એક દરિયાઈ ટેંકર જહાજને ફ્લાઈંગ ઑફિસર નિર્મલજીતસિંહ સેખોં, પીવીસી નામ આપવામાં આવ્યું છે.
