ઈન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક (જન્મ ૨૨ ફેબ્રુઆરી, ૧૮૯૨ - અવસાન : ૧૭ જુલાઇ, ૧૯૭૨) જેઓ ઈન્દુચાચા તરીકે જાણીતા હતા, ગુજરાતના સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા.
ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ૨૨ ફેબ્રુઆરી, ૧૮૯૨ના રોજ નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ કનૈયાલાલ અને માતાનું નામ મણિગૌરી હતું. ઇન્દુલાલ યાજ્ઞિકે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદમાં મેળવ્યું હતું. તેઓ ૧૯૦૬માં મૅટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. તેમણે ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી વકીલાત કરી હતી તે દરમિયાન 'હિંદુસ્તાન' દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત પણ તેમણે કરેલી.
૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણયકર્યો હતો. ‘નવજીવન અને સત્ય' માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં 'યુગધર્મ'ની શરૂઆત પણ કરી હતી. ૧૯૩૦ થી ૧૯૩૫ સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદોલનોમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. ૧૯૪૨માં ‘નૂતન ગુજરાત'ના તંત્રી તરીકે જોડાયા હતા. બાદમાં ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઘણાં વર્ષ સુધી લોક સભાના સભ્ય રહ્યા હતા. ઈન્દુલાલ યાજ્ઞિકનું સાહિત્ય સર્જન : 'જીવનવિકાસ' 'ગુજરાતમાં નવજીવન',
'કારાવાસ', 'જીવનસંગ્રામ', 'કિસાનકથા' અને (મરણોત્તર) ‘છેલ્લાં વહેણ' નામક પેટાશીર્ષકો નીચે પ્રગટ થયેલા 'આત્મકથા'ના છ ભાગ એમનું ગુજરાતી સાહિત્યને મહત્વનું પ્રદાન છે. આશા-નિરાશા', 'રણસંગ્રામ', 'શોભારામની સરદારી', 'વરઘોડો', 'અક્કલના દુશ્મન', 'ભોળાશેઠનું ભૂદાન' વગેરે નાટકો એમણે લખ્યાં છે; નવલકથા 'માયા' લખી છે. ‘શહીદનો સંદેશ' એમનો ચરિત્રગ્રંથ છે. 'નાગપુર મહાસભા', 'ગામડાનું સ્વરાજ્ય', 'કિસાન જાહેરનામું', 'સ્વદેશી શા માટે ?', 'સોવિયેત દેશ' વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે. ‘રાષ્ટ્રગીત', 'મુકુલ' વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે.
*સન્માન* : નર્મદ સુવર્ણ ચંદ્રક નર્મદ સાહિત્ય સભા, સુરત. ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં વર્ષ ૧૯૯૯માં "સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સમાજ સુધારકો" શ્રેણી અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
૧૭ જુલાઈ, ૧૯૭૨ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું.
