નેલ્સન મંડેલા (Nelson Rolihlahla Mandela) (જન્મ: ૧૮ જુલાઈ, ૧૯૧૮ – અવસાન : ૫ ડિસેમ્બર, ૨૦૧૩) રંગભેદ વિરુદ્ધ અશ્વેત પ્રજાના સ્વાતંત્ર્ય અને અધિકારોની લડતના શક્તિશાળી નેતા, રાજનીતિજ્ઞ, ધારાશાસ્ત્રી હતા. દક્ષિણ આફ્રિકામાં અશ્વેતો સાથે રંગભેદ અને અમાનવીય વર્તન વિરુદ્ધ નેલ્સન મંડેલાએ અવાજ ઉઠાવ્યો હતો. તેઓ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ નેલ્સન મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા હતા.
નેલ્સન મંડેલાની જન્મજયંતી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા "નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન" તરીકે દર વર્ષે ૧૮ જુલાઇના રોજ ઉજવાય છે. નેલ્સન મંડેલાનો જન્મ મવેઝો, દક્ષિણ આફ્રિકામાં (Mvezo, South Africa) માં થયો હતો. નેલ્સન મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું. તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા. ૧૯૪૪ માં આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા પછી, નેલ્સન મંડેલાએ રંગભેદ સામે આંદોલન શરૂ કર્યું. તે જ વર્ષે, તેમણે તેમના મિત્રો અને સાથીઓ સાથે આફ્રિકન નેશનલ કોંગ્રેસ યુથ લીગની (African National Congress Youth League) સ્થાપના કરી. ૧૯૪૭ માં, તેઓ લીગના સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા.
૧૯૬૪માં તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. રંગભેદ અને અન્યાય સામે લડત માટે ૧૯૬૪ થી ૧૯૯૦ સુધી, તેમણે જીવનના ૨૭ વર્ષ જેલમાં પસાર કરવા પડ્યાં. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. જેલમાં લખાયેલું તેમનું જીવનચરિત્ર ૧૯૯૪ માં ‘લોંગ વોક ટૂ ફ્રીડમ' (Long Walk to Freedom) નામના પુસ્તકના રૂપમાં પ્રકાશિત થયું હતું. નેલ્સન મંડેલાએ રંગભેદનો વિરોધ અને વિશ્વ શાંતિ માટે તેમણે મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. નેલ્સન મંડેલા અહિંસાના માર્ગ પર ચાલ્યા હતા.
જેલમાં ૨૭ વર્ષ વિતાવ્યા બાદ ૧૧ ફેબ્રુઆરી, ૧૯૯૦ ના રોજ તેમને છૂટા કરવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પછી સમજૂતી અને શાંતિની નીતિ દ્વારા, તેમણે લોકશાહી અને વિવિધતાવાળા આફ્રિકાનો પાયો નાખ્યો. ૧૯૯૪ માં દક્ષિણ આફ્રિકામાં બિન-રંગભેદની ચૂંટણી યોજાઇ હતી. આફ્રિકન નેશનલ કોંગ્રેસને ૬૨ ટકા મતો મળ્યા અને બહુમતીથી તેમની સરકાર બનાવી. ૧૦ મે, ૧૯૯૪ ના રોજ નેલ્સન મંડેલા તેમના દેશના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા.
નેલ્સન મંડેલાને ૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરુ પારિતોષિક, ૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન અને ૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર સમેત નેલ્સન મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા. ૫ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ તેમનાં નિવાસસ્થાન હૌગટન, જોહનિસબર્ગ ખાતે તેમનું અવસાન થયું હતું.
