મધુ રાય તરીકે જાણીતા મધુસૂદન વલ્લભદાસ ઠાકર (જન્મ : ૧૬ જુલાઇ, ૧૯૪૨) એ ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર છે.
મધુરાયનો જન્મ જામખંભાળિયામાં થયો હતો. તેમનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ દ્વારકામાં થયું. કોલકાતાની રેસિડન્ટ કૉલેજ, કોલકાતા યુનિવર્સિટીમાંથી જનરલ વિષયો સાથે બી.એ. પૂર્ણ કરીને વર્ષ ૧૯૬૭માં તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા. નવનીતલાલ ઍન્ડ કંપનીમાં જાહેરખબર- લેખનના કાર્ય સાથે સંલગ્ન. 'આકંઠ સાબરમતી' નાટ્યસંસ્થાની સ્થાપના. વર્ષ ૧૯૭૦માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર તરફથી સાંસ્કૃતિક આદાનપ્રદાન યોજવામાં રંગમંચ અને દિગ્દર્શનની તાલીમાર્થે અમેરિકા. વર્ષ ૧૯૭૨માં ભારત પરત. ૧૯૭૪માં ફરી અમેરિકા. ત્યાં સર્જનાત્મક સાહિત્યલેખન વિષયમાં એમ.એ. ૧૯૭૮માં અમેરિકામાં 'ગુજરાતી' નામક સાપ્તાહિકનો પ્રારંભ.
મધુરાય હાલમાં અમેરિકામાં નિવાસ કરી રહ્યા છે. આધુનિક કથાસાહિત્ય અને નાટ્યસાહિત્યમાં કપોલકલ્પિતના વિનિયોગ સાથે તેમ જ નાટ્યાત્મક પરિસ્થિતિઓ અને ઉઠાવદાર પાત્રરેખાઓ સાથે પ્રયોગશીલતાની વિવિધ સંવેદનાઓ ઊભી કરતી અને ભાષાની અપૂર્વ અનુનેયતા સિદ્ધ કરી બતાવતી આ લેખકની કૃતિઓ અત્યંત ધ્યાનપાત્ર છે.
મધુરાયનું સાહિત્ય સર્જન : નવલકથાઓ - ચહેરા, કામિની, સભા, સાપબાજી, કલ્પતરુ વગેરે. વાર્તાસંગ્રહ - બાંશી નામની એક છોકરી, રૂપકથા, કાલસર્પ, મોરે પિયા ગયે રંગૂન. નિબંધસંગ્રહ - નીલે ગગન કે તલે, મન કી બીન, દિલ કી ગલી, કેફિયત વગેરે. નાટક - કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો, કુમારની અગાશી, આપણે ક્લબમાં મળ્યા હતા, પાનકોર નાકે જઈ વગેરે. નાટક રુપાંતર ખેલન્દો, ચાન્નસ વગેરે. એકાંકીસંગ્રહ - અશ્વત્થામા, કાન્તા કહે. શરત,
સન્માન : રણજિતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, સાહિત્ય ગૌરવ પુરસ્કાર
