અરુણા આસફ અલી (જન્મ : ૧૬ જુલાઇ, ૧૯૦૯ - અવસાન : ૨૯ જુલાઇ, ૧૯૯૬) ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક હતા. વર્ષ ૧૯૪૨ના હિંદ છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે. આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને દિલ્હીના પ્રથમ મેયર બન્યા.
અરુણાનો જન્મ ૧૬ જુલાઇ, ૧૯૦૯ના રોજ હરિયાણા (તત્કાલીન પંજાબ)ના કાલકા નામના સ્થળે થયો હતો. તેમના પિતાનું નામ ઉપેન્દ્રનાથ ગાંગુલી અને માતાનું નામ અંબાલિકા દેવી હતું. અરુણાના બહેન પૂર્ણિમા બેનરજી બંધારણ સભાના સભ્ય હતા.
અરુણાનો પ્રારંભિક અભ્યાસ સેક્રિડ હાર્ટ કૉન્વેન્ટ, લાહોર અને ઑલ સેન્ટ'સ કૉલેજ નૈનિતાલમાં થયો. સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે કોલકાતાની ગોખલે મેમોરિયલ સ્કૂલમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. વર્ષ ૧૯૨૮માં તેમની મુલાકાત કોંગ્રેસી નેતા આસફ અલી સાથે થઈ. બન્ને લગ્નગ્રંથીથી જોડાયાં. તેણી આસફ અલી સાથેના લગ્ન બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા તથા દાંડી સત્યાગ્રહ દરમિયાન જાહેર સભાઓમાં ભાગ લીધો. વર્ષ ૧૯૩૨માં તેમની ધરપકડ બાદ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા. અહીં તેમએ રાજનૈતિક કેદીઓ પ્રત્યેના ઉદાસીન વ્યવહાર બદલ ભૂખ હડતાળ શરૂ કરી. તેમના પ્રયાસોથી તિહાડ જેલની સ્થિતિમાં બદલાવ આવ્યો. બાદમાં તેમણે અંબાલા ખાતે એકાંત કારાવાસ માટે મોકલી આપવામાં આવ્યા. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ અસક્રિય રહ્યા પરંતુ વર્ષ ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂમિગત ગતિવિધિઓ શરૂ કરી અને સ્વતંત્રતા આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.
૮ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મુંબઈ અધિવેશનમાં હિંદ છોડો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. બ્રિટિશ સરકારે કોંગ્રેસ કાર્યકારી સમિતિના નેતાઓ સહિત તમામ મોટા નેતાઓની ધરપકડ કરી આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. મોટા નેતાઓની ગેરહાજરીમાં ૯ ઑગસ્ટના રોજ અધિવેશનની અધ્યક્ષતા સંભાળતા અરુણા આસફ અલીએ ગોવાલિયા ટેંક મેદાનમાં કોંગ્રેસ પક્ષનો ઝંડો લહેરાવ્યો અને આંદોલનની વિધિવત શરૂઆત કરી. પ્રત્યક્ષ નેતૃત્ત્વના અભાવ છતાં ભારતીય યુવાઓની આઝાદી મેળવવાની અદમ્ય ઇચ્છાની અભિવ્યક્તિના રૂપમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયાં. અરુણાના નામના ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યા પરંતુ ધરપકડથી બચવા તેઓ ભૂગર્ભવાસમાં ચાલ્યા ગયા અને વર્ષ ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂગર્ભ પ્રવૃત્તિઓ શરૂ કરી અને આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.
વર્ષ ૧૯૫૮માં તેઓ દિલ્હીના મેયર બન્યા. અરુણા આસફ અલીને વર્ષ ૧૯૬૪માં આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર તથા વર્ષ ૧૯૯૧માં આંતરરાષ્ટ્રીય સમજ માટે જવાહરલાલ નેહરુ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. વર્ષ ૧૯૯૨માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. અરુણા આસફ અલીનું અવસાન ૨૯ જુલાઈ, ૧૯૯૬ના રોજ નવી દિલ્હી ખાતે થયું હતું. અરુણા આસફ અલીને વર્ષ ૧૯૯૭માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી (મરણોત્તર) સન્માનિત કરવામાં આવ્યાં. વર્ષ ૧૯૯૮માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
