દિલીપ નાગજીભાઈ રાણપુરા (જન્મ : ૧૪ નવેમ્બર, ૧૯૩૨ - અવસાન : ૧૬ જુલાઈ, ૨૦૦૩) ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર હતા.
તેમનો જન્મ ૧૪ નવેમ્બર, ૧૯૩૨ના દિવસે ધંધુકામાં થયો હતો. ૧૯૫૦માં તેમણે વર્નાક્યુલર ફાઈનલ કર્યા પછી ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને શરૂમાં સર્વોદય યોજનામાં જોડાયા પછી શિક્ષણ વ્યવસાયમાં આવ્યા. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા પછી તેઓ બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય રહ્યા હતા.
સર્જન : નવલકથાઓ - સૂકી ધરતી સૂકા હોઠ, હું આવું છું, હળાહળ અમી, આતમ વીંઝે પાંખ, ભીંસ, મધુડંખ, હરિયાળાં વેરાન, કોઈ વરદાન આપો, કારવાં ગુજર ગયા, નિયતિ, કાન તમે સાંભળો તો, અમે તરસ્યાં પૂનમનાં, રે અમે કોમળ કોમળ, મને પૂછશો નહીં, વાસંતી ડૂસકાં, કૂંપળ ફૂટ્યાની વાત, આંસુભીનો ઉજાસ, મીરાંની રહી મહેક, પીઠે પાંગર્યો પીપળો, અંતરિયાળ વગેરે એમની નવલકથાઓ છે. વાર્તાસંગ્રહો - મારી શ્રેષ્ઠ વાર્તાઓ, પણ માંડેલી વારતાનું શું ?
સંસ્મરણકથા - દીવા તળે ઓછાયા, ભીતર ભીતર, આ ભવની ઓળખ. ચરિત્રનિબંધસંગ્રહો - વાત એક માણસની, છવિ.
દિલીપ રાણપુરાનું અવસાન ૧૬ જુલાઇ, ૨૦૦૩ના રોજ થયું હતું.
