જ્યોત્સ્નાબેન જ્યોતિ ભટ્ટ (જન્મ : ૬ માર્ચ, ૧૯૪૦ – અવસાન : ૧૧ જુલાઈ, ૨૦૨૦) એ માટીકામ દ્વારા વિવિધ કલાત્મક નમૂનાઓ બનાવવા માટે જાણીતા છે.
જ્યોત્સ્નાબેન ભટ્ટનો જન્મ ૬ માર્ચ, ૧૯૪૦ના રોજ કચ્છના માંડવીમાં થયો હતો. તેમણે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં એક વર્ષ સુધી અભ્યાસ કર્યો. બાદમાં તેઓ સંખો ચૌધરીના માર્ગદર્શન હેઠળ શિલ્પનો અભ્યાસ કરવા માટે વર્ષ ૧૯૫૮માં વદોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં જોડાયા હતા. તેમને ત્યાં સિરામિક્સ (ચિનાઈ માટીકામ)માં રસ પડયો. તેમણે વર્ષ ૧૯૬૦ના દશકના મધ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ન્યૂ યૉર્કમાં બ્રુકલિનના બોરોમાં આવેલી બ્રુકલિન મ્યુઝિયમ આર્ટ સ્કૂલમાં જોલિયન હોફસ્ટેડના માર્ગદર્શન હેઠળ સિરામિક્સનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેઓ ભારત પાછા ફર્યા અને વડોદરામાં સ્થાયી થયા. વર્ષ ૧૯૭૨માં તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા વિભાગ (ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ)માં મૂર્તિકલા વિભાગના સિરામિક સ્ટુડિયોમાં પ્રોફેસર તરીકે જોડાયા હતા. તેમણે ત્યાં ૪૦ વર્ષ સુધી કામ કર્યું અને વર્ષ ૨૦૦૨માં સિરામિક્સ વિભાગના વડા તરીકે નિવૃત્ત થયા.
જ્યોત્સ્નાબેન ભટ્ટની કૃતિઓ વિશ્વભરમાં એકત્રિત કરવામાં આવે છે. તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે સ્ટોનવેર અને ટેરાકોટા બંને સાથે પ્રયોગો કર્યા. તેમના સિરામિક કાર્યમાં, તેમણે મેટ અને સાટિન મેટ ગ્લેઝને ટીલ બ્લુથી માંડીને શેવાળના લીલા અને અન્ય માટી રંગો સાથે સંયોજનમાં પસંદ કર્યા હતા. તેઓ અવારનવાર આલ્કલાઇન માટી, શેવાળ અને વિવિધ ખનિજોનો ઉપયોગ કરતા હતા, જે તેમની કૃતિઓમાં આધુનિક અને પરંપરાગત શૈલીઓનો સમાવેશ કરતા હતા. તેમના કાર્યોથી તેમની પ્રકૃતિ પ્રત્યેની રુચિ પ્રતિબિંબિત થાય છે. તેની અસંખ્ય કૃતિઓમાં બિલાડીઓ, કૂતરા, પક્ષીઓ, કમળની કળીઓ, રમકડાં અને થાળીઓ દર્શાવવામાં આવી છે.
જ્યોત્સ્નાબેન ભટ્ટના લગ્ન જ્યોતિ ભટ્ટ સાથે થયા હતા. તેઓ વડોદરામાં રહેતા હતા. જ્યોત્સ્નાબેન ભટ્ટનું અવસાન ૧૧ જુલાઈ, ૨૦૨૦ના રોજ વડોદરા ખાતે થયું હતું.

.jpeg)