હર્ષદ ત્રિવેદી (જન્મ ૧૭ જુલાઈ ૧૯૫૮) એ ગુજરાત, ભારતના ગુજરાતી ભાષાના કવિ, લઘુકથા લેખક, વિવેચક અને સંપાદક છે. તેઓ ૧૯૯૫ થી ૨૦૧૫ દરમિયાન ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર, 'શબ્દસૃષ્ટિ'ના સંપાદક હતા. ત્રિવેદીએ અનેક ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવાઓ આપી છે.
હર્ષદ ત્રિવેદીનો જન્મ ૧૭ જુલાઈ ૧૯૫૮માં સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાલી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ અમૃતલાલ અને માતાનું નામ શશિકલા હતું. તેમના પિતા કવિ હતા. ત્રિવેદીએ શાળાકીય શિક્ષણ સુરેન્દ્રનગરની શેઠ એન.ટી.એમ. હાઇસ્કૂલમાંથી પૂરું કર્યું હતું. તેમણે ગુજરાતી સાહિત્ય વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવી હતી. ૧૯૯૧માં હર્ષદ ત્રિવેદીએ ગુજરાતી લેખિકા બિંદુ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા.
ત્રિવેદીએ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ગુજરાતી સાહિત્યકોશના સંપાદકીય વિભાગમાં સંશોધન સહાયક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યાં તેમણે ૧૯૮૧ થી ૧૯૮૪ દરમિયાન કાર્ય કર્યું હતું. ૧૯૯૫માં તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર શબ્દસૃષ્ટિના સંપાદક બન્યા, જ્યાં તેમણે એક દાયકા સુધી ફરજ બજાવી હતી. તેમણે ૨૦૧૦ થી ૨૦૧૫ સુધી શબ્દસૃષ્ટિ ખાતે રજિસ્ટ્રાર તરીકે પણ કામ કર્યું હતું.
તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'એક ખાલી નાવ' ૧૯૮૪માં પ્રકાશિત થયો હતો. 'રહીછે વાત અધૂરી', 'તારો અવાજ' અને 'તરવેણી' તેમના અન્ય પ્રકાશિત કાવ્યસંગ્રહો છે. ટૂંકી વાર્તાઓનું તેમનું પ્રથમ પુસ્તક 'જાળીયું' હતું. 'પાણી કલર' તેમનો બાળસંગ્રહ છે જ્યારે 'શબ્દાનુભાવ' એ આલોચનાત્મક લેખોનો સંગ્રહ છે
તેમના કાવ્યસંગ્રહ 'એક ખાલી નાવ' ને ૧૯૯૨માં જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો હતો. ૨૦૧૪માં હર્ષદ ત્રિવેદીને 'કવિશ્વર દલપતરામ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો હતો.
