ભારત દેશમાં લદ્દાખમાં આવેલ ડિસ્કિટ મઠ લદ્દાખની નુબ્રા ખીણમાં સૌથી મોટા અને સૌથી જૂના બૌદ્ધ મઠ માટે પ્રખ્યાત છે. ડિસ્કિટ પ્રદેશ ઘણા પ્રાચીન મઠોનું ઘર છે, ૧૪મી સદીમાં આ મઠનું નિર્માણ થયેલું છે. દરિયાની સપાટીથી દસ હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર બેઠેલી, મૈત્રેયબુદ્ધની ૧૦૮ ફૂટ ઊંચી પ્રતિમા, જેને બૌદ્ધ ગ્રંથોમાં 'ફ્યુચર બુદ્ધ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચારે તરફ બરફાચ્છાદિત શિખરો, ખૂબ જ વિશાળ પટમાં વેહતી શ્યોક નદી આવેલી છે. નાનકડાં રોડ પર વિવિધરંગી પહાડો અને દરેક પહાડોમાં વિવિધતા તો ખરી જ. ત્યાંથી થોડે આગળ વધીએ એટલે ખેતરો, સફરજનનાં વૃક્ષોની લીલોતરી સાથે કુદરતે પ્રેમથી સજાવ્યું હોય એવું ડિસ્કિટ ગામ અને વિશાળ હિમાલયમાં શાંતિનો સંદેશો ફેલાવતી ભગવાન બુદ્ધની ૧૦૬ ફૂટની વિશાળ પ્રતિમા જેનું મુખ શ્યોક નદી તરફ છે. ખુલ્લાં વ્યોમ નીચે એક પહાડી પર આવેલી બુદ્ધની પ્રતિમા ખૂબ જ સુંદર છે. આ મૂર્તિ ખૂબ જ દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય.
સમુદ્રતળથી ૧૦,૩૦૦ ફૂટ ઊંચાઈ પર સ્થિત ડિસ્કિટ મઠમાં તિબેટીયનશૈલીની ખૂબ જ સુંદર વાસ્તુકલા જોઈ શકાય છે. ડિસ્કીટ નુબ્રા ખીણનો સૌથી મોટો મઠ છે. સુંદર પેઈન્ટિંગ સાથે અનેક પ્રાચીન ગ્રંથો અહીં સચવાયેલા છે. અહીં નુબ્રા ખીણના બાળકોને આધુનિક શિક્ષણ મળી શકે તે માટે શાળા પણ ચલાવવા આવે છે.
નુબ્રા ખીણ, લદ્દાખ તેના બગીચાઓ, મનોહર દ્રશ્યો અને મઠો માટે જાણીતા છે; નુબ્રા ખીણ હિમાલયની પર્વતમાળાઓથી ઘેરાયેલી છે. ખીણનું મનોહર અને આકર્ષક દૃશ્ય આ સ્થાનને ભારતના સુંદર સ્થળોની યાદીમાં મૂકે છે.
