દિગીશ નાનુભાઈ મહેતા (જન્મ : ૧૨ જુલાઈ ૧૯૩૪ અવસાન : ૧૩ જૂન ૨૦૦૧) ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક હતા. તેમનો જન્મ ૧૨ જુલાઈ ૧૯૩૪ના રોજ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિદ્ધપુરમાં પૂર્ણ કર્યું. ૧૯૫૩માં અંગ્રેજી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ. અને ૧૯૬૮માં યુનિવર્સિટી ઑવ લિડ્સમાંથી એમ.એ. પૂર્ણ કર્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. ૧૯૬૩માં
તેમના લગ્ન સ્મિતા સાથે થયેલા અને એમને બે દીકરીઓ હતી. સર્જન : 'આપણો ઘડીક સંગ' એમની વિનોદશૈલીની એક પ્રયોગસભર લઘુનવલ છે. 'દૂરના એ સૂર' એ દિગીશ મહેતાના અંગત અને લલિતાત્મક નિબંધોનો સંગ્રહ છે. 'પરિધિ' એમની અભ્યાસનિષ્ઠાનો દ્યોતક વિવેચનસંગ્રહ છે. એમણે અંગ્રેજીમાં 'શ્રીમદ્ રાજચંદ્ર' નામક લઘુચરિત્રપુસ્તક લખ્યું છે.
તેઓ ૧૯૯૪માં નિવૃત થયા હતા અને ૧૩ જૂન ૨૦૦૧ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.

