બટુકેશ્વર દત્ત (જન્મ : ૧૮ નવેમ્બર, ૧૯૧૦ - અવસાન : ૨૦ જુલાઈ, ૧૯૬૫) ભારતીય ક્રાંતિકારી અને સ્વતંત્રતા ચળવળના લડવૈયા હતા. ૮ એપ્રિલ, ૧૯૨૯ ના દિવસે નવી દિલ્હીની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં ભગતસિંહની સાથે મળી બોમ્બ ધમાકા કરવા માટે તેઓ જાણીતા છે. ત્યાર બાદ તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને આજીવન કેદની સજા મળી હતી. ત્યાં તેમણે અને ભગતસિંહે ભારતીય રાજકીય કેદીઓ સાથેના થનારા અપમાનજનક વર્તનનો વિરોધ કરવા ઐતિહાસિક ભૂખ હડતાલ શરૂ કરી, અને આખરે કેદીઓ માટે કેટલાક અધિકાર મેળવ્યાં. તે હિંદુસ્તાન સોશ્યાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સભ્ય પણ હતા.
બટુકેશ્વર દત્તનો જન્મ ૧૮ નવેમ્બર, ૧૯૧૦ ના દિવસે પશ્ચિમ બંગાળમાં આવેલા પૂર્વ બર્ધમાન જિલ્લાના ઓરી ગામમાં થયો હતો. તેઓ કાનપુરની પી.પી.એન. હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. બટુકેશ્વર દત્ત ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહ જેવા સ્વતંત્રતાની લડતના લડવૈયાઓના નજીકના સાથી હતા. તેમને તેઓ કાનપુરમાં વર્ષ ૧૯૨૪ માં મળ્યા હતા. તેમણે હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન માટે કામ કરતી વખતે બોમ્બ બનાવવાનું શીખ્યું હતું.
બ્રિટિશ સરકારે વર્ષ ૧૯૧૫માં ડિફેન્સ ઑફ ઇન્ડિયા એક્ટ લાગુ કરવાનો નિર્ણય કર્યો, જેનાથી પોલીસને લોકોની અટકાયત કરવાની મુક્ત સત્તા મળી. ભગતસિંહે હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનમાં કેન્દ્રીય વિધાનસભાની અંદર બોમ્બ ફોડવાનો પ્રસ્તાવ મૂક્યો. જેના પર સંમતિ મળી. ૮ એપ્રિલ, ૧૯૨૯ ના રોજ, ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે વિઝિટર ગેલેરીથી ધસીને એસેમ્બલીની અંદર બે બોમ્બ ફેંકી દીધા. બોમ્બ ધમાકાથી ધુમાડો ખંડમાં ભરાઈ ગયો અને તેઓએ "ઇન્કિલાબ ઝિંદાબાદ"નો નાદ કર્યો અને પત્રિકાની વર્ષા કરી. આ બોમ્બ વિસ્ફોટમાં ત્યાં કોઈ મોત
નિપજ્યું ન હતું. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તની ધરપકડ કરવામાં આવી હતી. ભગતસિંહ અને સુખદેવની સાથે, બટુકેશ્વર દત્ત પર સેન્ટ્રલ એસેમ્બલી (કેન્દ્રીય વિધાનસભા)માં બોમ્બ ફેંકવાના કેસમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો હતો અને તેમને વર્ષ ૧૯૨૯ માં દિલ્હીના સેશન્સ ન્યાયાધીશે આજીવન કેદની સજા ફટકારી હતી. બટુકેશ્વર દત્તને સેલ્યુલર જેલ, આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ પર મોકલવામાં આવ્યા હતા.
વર્ષ ૧૯૩૮માં બટુકેશ્વર દત્ત જેલમાંથી છૂટ્યા જેલમાંથી છૂટ્યા હતા. વર્ષ ૧૯૪૨ માં બટુકેશ્વર દત્તે મહાત્મા ગાંધીના હિંદ છોડો આંદોલનમાં ભાગ લીધો અને ફરીથી ચાર વર્ષ જેલમાં ગયા. તેમને મોતીહારી જેલમાં (બિહારના ચંપારણ જિલ્લામાં) બંદી બનાવવામાં આવ્યા હતા. ૨૦ જુલાઈ, ૧૯૬૫ ના રોજ બટુકેશ્વર દત્તનું અવસાન થયું હતું. ફિલ્મ ધ લિજેન્ડ ઑફ ભગત સિંહમાં ભાસ્કર ચેટરજીએ બટુકેશ્વર દત્તની ભૂમિકા ભજવી હતી. અનિલ વર્માએ બટુકેશ્વર દત્ત: ભગતસિંહ કે સહયોગી નામનું પુસ્તક લખ્યું હતું, જે દત્તના જન્મની શતાબ્દી પર પ્રકાશિત કરાયું હતું. ભારત સરકારની પ્રકાશન સેવા, રાષ્ટ્રીય બુક ટ્રસ્ટ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરાયું હતું.
