સાવિત્રી ખાનોલકર ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રની ડિઝાઇન માટે જાણીતા ડિઝાઇનર. સાવિત્રી ખાનોલકર (જન્મ : ૨૦ જુલાઈ ૧૯૧૩ – અવસાન : ૨૬ નવેમ્બર ૧૯૯૦) એક ડિઝાઇનર હતા. તેઓ ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્રની ડિઝાઇન માટે જાણીતા છે, જે યુદ્ધ દરમિયાન પરાક્રમના વિશિષ્ટ કૃત્યો પ્રદર્શિત કરવા માટે એનાયત કરવામાં આવે છે. ખાનોલકરે અશોક ચક્ર, મહાવીર ચક્ર, કીર્તિ ચક્ર, વીર ચક્ર અને શૌર્ય ચક્ર સહિત અન્ય કેટલાક મોટા વીરતા ચંદ્રકો પણ ડિઝાઇન કર્યા હતા. તેમણે જનરલ સર્વિસ મેડલ ૧૯૪૭ની ડિઝાઇન પણ તૈયાર કરી હતી, જેનો ઉપયોગ ૧૯૬૫ સુધી કરવામાં આવ્યો હતો. ખાનોલકર ચિત્રકાર અને કલાકાર પણ હતા.
પ્રારંભિક જીવન : સ્વિત્ઝરલૅન્ડના ન્યૂશાતેલ ખાતે જન્મેલા સાવિત્રી ખાનોલકરનું મૂળ નામ ઇવા વૉન લિન્ડા મેડે-ડી-મેરોસ હતું. તેમના પિતા જીનીવામાં લીગ ઓફ નેશન્સમાં લાઇબ્રેરિયન હતા. ઈ.સ. ૧૯૨૯માં ઈવા વૉન લિન્ડા મેડે-ડી-મેરોસની મુલાકાત વિક્રમ રામજી ખાનોલકર સાથે થઈ હતી. મરાઠી પરિવારમાંથી વિક્રમ રામજી ખાનોલકર યુનાઇટેડ કિંગડમની રોયલ મિલિટરી એકેડેમી, સેન્ડહર્સ્ટમાં તાલીમ લઈ રહેલા ભારતીય આર્મીના એક યુવાન કેડેટ હતા અને ટર્મ બ્રેક દરમિયાન સ્વિત્ઝર્લેન્ડની મુલાકાતે હતા. ૧૯૩૨માં ઈવા વૉન લિંડા મેડે-ડી-મેરોસે લખનઉમાં વિક્રમ રામજી ખાનોલકર સાથે લગ્ન કર્યા. ત્યારબાદ તેમણે પોતાનું નામ બદલીને સાવિત્રીબાઈ ખાનોલકર કરી દીધું. તેમણે હિન્દુ ધર્મ અપનાવી ભારતીય નાગરિકતા મેળવી હતી.
લગ્ન પછી, ઈવા વૉન લિન્ડા મેડે-ડી.મેરોસે ભારતીય સંસ્કૃતિને સંપૂર્ણપણે અપનાવી લીધી હતી. તેમનો પહેરવેશ અને ભાષા પણ ભારતીય રંગોમાં રંગાયેલી હતી. સાવિત્રી ખાનોલકરે હિન્દુ પરંપરાઓ અને આદર્શો સાથે એટલી નજીકથી ઓળખ કરી હતી કે ભારતીય સમાજમાં તેમનું એકીકરણ સરળ અને સહજ હતું. તેઓ શાકાહારી હતા, અસ્ખલિત મરાઠી, સંસ્કૃત અને હિન્દી બોલતા શીખ્યા હતા અને ભારતીય સંગીત, નૃત્ય અને ચિત્રકામ પણ શીખ્યા હતા. તેમણે હિન્દુ ધર્મગ્રંથોનું વિસ્તૃત વાંચન કર્યું હતું અને ભારતના પ્રાચીન ઈતિહાસ અને દંતકથાઓનું ઊંડું જ્ઞાન મેળવ્યું હતું. આ જ્ઞાનને કારણે પરમ વીર ચક્રની ડીઝાઇન માટે મેજર જનરલ હીરા લાલ અટલે સાવિત્રી બાઈની મદદ માંગી હતી. યુદ્ધમાં બહાદુરી માટેના ભારતના સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર ડિઝાઇન કરવા સાવિત્રી ખાનોલકરની પસંદગી કરવામાં આવી હતી.
સાવિત્રી ખાનોલકરનું અવસાન ૨૬ નવેમ્બર ૧૯૯૦ના રોજ થયું હતું.
