મંગલ પાંડે (જન્મ : ૧૯ જુલાઇ, ૧૮૨૭ - અવસાન : ૮ એપ્રિલ, ૧૮૫૭)એ એક ભારતીય સૈનિક હતા. વર્ષ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ૩૪મી બેંગાલ નેટિવ ઈનફેન્ટ્રી (BNI)માં સિપાહી હતા. વર્ષ ૧૯૮૪માં ભારત સરકારે મંગલ પાંડેની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ઘણાં સિનેમા આદિમાં તેમના જીવન અને કાર્યોને દર્શાવાયા છે.
મંગલ પાંડેનો જન્મ ૧૯ જુલાઈ, ૧૮૨૭ના રોજ ઉત્તરપ્રદેશ રાજ્યના બલિયા જિલ્લાના નાગવા (નાગબ) ગામમાં થયો હતો. મંગલ પાંડેના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભયરાની હતું. મંગલ પાંડે વર્ષ ૧૮૪૯માં બંગાળ સેનામાં જોડાયા. માર્ચ ૧૮૫૭માં ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી (BNI)ની પાંચમી કંપનીમાં તેઓ સૈનિક હતા.
અંગ્રેજ સરકારે સૈનિકો માટે નવી એન્ફિલ્ડ રાઈફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. આ રાઈફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો. હિંદુઓ ગાયને પવિત્ર માનતા હતા અને મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ્ય (પ્રતિબંધિત) ગણાતું હતું. તેથી હિંદુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો અકળાઈ ઊઠ્યા.
વર્ષ ૧૮૫૭ના માર્ચ મહિનાની ૨૯ તારીખ હતી. મંગલ પાંડે ૩૪મી બેંગાલ નેટિવ ઈનફેન્ટ્રી બટાલિયન સાથે બરાકપુરમાં તહેનાત હતા. ૨૯ માર્ચ, ૧૮૫૭ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સૈનિકોએ ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનેલી કારતૂસો વાપરવાનો ઈનકાર કર્યો. અંગ્રેજ અધિકારીઓએ એમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી. મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યા. મેજર હ્યુસને મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો તેથી મંગલ પાંડેએ મેજર હ્યુસનને ગોળી મારી. મેજર હ્યુસન ત્યાં જ ઢળી પડયો. ત્યારબાદ મંગલ પાંડેએ લેફ્ટનન્ટ બઘને પણ માર્યો. મંગલ પાંડેની ધરપકડ કરવામાં આવી અને ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી. મંગલ પાંડે વર્ષ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ હતાં.
