બેંક રાષ્ટ્રીયકરણ દિવસ દર વર્ષે ૧૯ જુલાઇના રોજ ઉજવાય છે.
૧૯ જુલાઈ, ૧૯૬૯ના રોજ ભારતના તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરાગાંધી દ્વારા દેશની ૧૪ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યુ હતુ. જેની યાદીમાં દર વર્ષે ૧૯ જુલાઇના રોજ બેંક રાષ્ટ્રીયકરણ દિવસ ઉજવાય છે. આ ઘટના પહેલા દેશમાં ભારતીય સ્ટેટ બેંક એક જ નેશનલાઇઝ બેંક હતી. બેંકના રાષ્ટ્રીયકરણ પાછળનો ઉદ્દેશ કૃષિ-ખેતી, લઘુ ઉઘોગ અને નિકાસ જેવા ઓછા ધિરાણવાળા ક્ષેત્રોને નાણાંકીય ભંડોળ પુરું પાડવાનો હતો. રાષ્ટ્રીયકરણથી ભારતભરમાં બેન્કિંગ સિસ્ટમનો વિકાસ અને વિસ્તરણ થયુ હતું. અલ્હાબાદ બેંક, કેનેરા બેંક, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, સિન્ડિકેટ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઑફ બરોડા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઑફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, દેના બેંક, યુનિયન બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૧૯૮૦માં વધુ ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યુ હતું.
બેંકોના રાષ્ટ્રીયકરણ પછી બેંકોની શાખાઓમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. પહેલાં જે બેંકો તેમની સેવાઓ ફક્ત શહેરોમાં જ આપતી હતી તે હવે ગ્રામ્ય વિસ્તારો તરફ વળી. રાષ્ટ્રીયકરણ થવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ બેકિંગ સુવિધા ઉપલબ્ધ થઈ. શાખાઓના વિસ્તરણ અને વધુ લોકો સુધી પહોંચવાથી બેંકો પાસે ઘણું નાણું એકઠું થયું જે પાછળથી લોન તરીકે વહેંચવામાં આવ્યું. પરિણામે ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો અને રોજગારીની તકો ઉભી થઇ.
