દેશપ્રેમ અને દેશભક્તિનું ખળખળ વહેતું ઝરણું એટલે અરુણા આસફ અલી.તેમનો જન્મ ૧૬ જુલાઈ, ૧૯૦૯ના રોજ હરિયાણા(તત્કાલીન પંજાબ)ના કાલકા નામના સ્થળે એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.તેમના પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી પૂર્વ બંગાળ(હાલ બાંગ્લાદેશ)ના વતની હતા પરંતુ તેઓ સંયુક્ત પ્રાંતમાં આવીને વસ્યા હતા.તેઓ એક રેસ્ટોરન્ટના માલિક હતા.તેમની માતા અંબાલિકા દેવી બ્રહ્મોસમાજના પ્રસિદ્ધ નેતા ત્રિલોકનાથ સાન્યાલના પુત્રી હતા. અરુણાના બહેન પૂર્ણિમા બેનરજી બંધારણ સભાના સભ્ય હતા.તેમનો પ્રારંભિક અભ્યાસ સેક્રિડ હાર્ટ કોન્વેન્ટ લાહોર અને ઓલ સેન્ટ'સ કોલેજ નૈનિતાલમાં થયો.સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે કલકત્તાની ગોખલે મેમોરિયલ સ્કુલમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. અરુણાજીના સિદ્ધાંતો અને આદર્શો નોખા હતા.જો આમ ન હોત તો ૧૯ વર્ષનાં અરુણા પોતાનાથી ૨૦ વર્ષ મોટા ધારાશાસ્ત્રી અસફઅલી સાથે નિકાહ પઢી લે ખરાં ? તેઓ આસફ અલી સાથેના લગ્ન બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા તથા દાંડી સત્યાગ્રહ દરમિયાન જાહેર સભાઓમાં ભાગ લીધો. ૧૯૩૨માં તેમની ધરપકડ બાદ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા.
પૂજ્ય ગાંધીજીની પ્રેરણાથી ૧૯૪રના ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે.આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રાહ્યા અને દિલ્હીના પ્રથમ મેયર બન્યા. ત્યારબાદ તો 'લેનિન શાંતિ પ્રાઈઝ, ઈન્દિરા ગાંધી એવોર્ડ' તેમજ 'નહેરુ એવોર્ડ' જેવા ઈલકાબો તેમને એનાયત કરવામાં આવ્યા હતા.ભારતમાં મૂલ્યોનું અવમૂલ્યન થતાં તેઓ અંતિમ ક્ષણોમાં ખૂબ હતાશ હતાં.૮૭ વર્ષની જૈફ વયે નવી દિલ્હીની રામમનોહર લોહિયા હોસ્પિટલમાં ૨૯ જુલાઈ, ૧૯૯૬ના રોજ તેમણે કાયમને માટે આંખો મીંચી દીધી.તેમની ઉત્કટ દેશભક્તિને બિરદાવવા ભારત સરકારે ઈ.સ.૧૯૯૭માં એમને દેશના સર્વોચ્ચ સન્માન 'ભારતરત્ન'થી મરણોપરાંત નવાજ્યા હતા.૧૯૯૮માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.નવી દિલ્હીમાં તેમના સન્માનમાં એક માર્ગનું નામ અરુણા આસફ અલી માર્ગ આપવામાં આવ્યું છે. અખિલ ભારતીય અલ્પસંખ્યક મોરચો પ્રતિવર્ષ ડૉ.અરુણા આસફ અલી સદ્ભાવના પુરરકાર વિતરીત કરે છે.
