છોટુભાઈ પુરાણી (જન્મ : ૧૩ જુલાઈ, ૧૮૮૫ - અવસાન : ૨૨ ડિસેમ્બર, ૧૯૫૦) ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા, સ્વતંત્રતા સેનાની અને સાહિત્યકાર હતા. તેમનો જન્મ ૧૩ જુલાઇ ૧૮૮૫ના રોજ તેમના મોસાળ ડાકોર ખાતે બાલકૃષ્ણ નરભેરામ પુરાણી અને પ્રસન્નલક્ષ્મીને ત્યાં થયો હતો. તેમના માતા તેઓ માત્ર બે વર્ષની વયના હતા, ત્યારે મૃત્યુ પામ્યા હતાં. શિક્ષણ : એમણે પ્રાથમિક શિક્ષણ ડાકોર ખાતે લીધું હતું. પછી તેઓ પિતા સાથે જામનગર ગયા હતા અને ત્યાં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. કૉલેજનું શિક્ષણ અમદાવાદ, વડોદરા અને મુંબઈમાં મેળવ્યું હતું. છોટુભાઈ પુરાણીના લગ્ન ઈ.સ. ૧૯૦૨માં નડિયાદમાં ચંચળલક્ષ્મી સાથે થયા હતા.
૧૯૦૮માં તેમણે વડોદરામાં ગુજરાતની સૌ પ્રથમ વ્યાયામ શાળા 'શ્રી લક્ષ્મીનાથ વ્યાયામશાળા' શરૂ કરી હતી. તેમના ભાઈ અંબાલાલ પુરાણી સાથે મળીને તેમણે ગુજરાતમાં વિવિધ સ્થળોએ અખાડાની સ્થાપના કરી હતી. ૧૯૧૮માં તેમણે ભરૂચમાં કેળવણી મંડળની સ્થાપના કરી અને નાગરિકો માટે ઉદ્યોગ દ્વારા કેળવણીનો પ્રયોગ શરૂ કર્યો. તેઓ રમત દ્વારા કેળવણીના ચુસ્ત હિમાયતી હતા. ૧૯૩૭માં અમદાવાદમાં તેમણે કાંકરિયા તળાવ પાસે વ્યાયામ વિદ્યાલય શરૂ કરેલું. રાજપીપળામાં તેમણે સૌપ્રથમ વ્યાયામ દ્વારા સ્નાતક થવાનો અભ્યાસક્રમ ધરાવતી કૉલેજની સ્થાપના કરી હતી.
તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય પણે ભાગ લીધો હતો. ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે ૧૯૩૦ની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લીધો હતો અને કારાવાસમાં ગયા હતા. ૧૯૪૦ના વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો.
*સાહિત્ય સર્જન* : તેમણે વ્યાયામ પ્રવૃત્તિની સાથે સાહિત્ય સર્જન પણ કર્યું હતું. 'ઉષ્મા', 'આર્થિક દૃષ્ટિએ વનસ્પતિ શાસ્ત્ર', 'મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ', 'ગુજરાતી વાચનમાળા', 'પ્રાકૃતિક ભૂગોળ', 'હિંદનો પ્રાચીન ઈતિહાસ' પુસ્તકોનું સર્જન કર્યું હતું. છોટુભાઈ પુરાણીનું અવસાન ૨૨ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.

.jpeg)
.jpeg)
.jpeg)