ઉપેન્દ્ર ત્રિવેદી (જન્મ : ૧૪ જુલાઈ, ૧૯૩૬ - અવસાન : ૪ જાન્યુઆરી, ૨૦૧૫) એ
એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અને નાટકોના અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા હતા.
તેમણે મુખ્ય નાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં
ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેઓ સક્રિય રાજકારણી પણ હતા. તેઓ અભિનય સમ્રાટ તરીકે પણ જાણીતા હતા.
ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ૧૪ જુલાઈ ૧૯૩૬માં થયેલો. તેમનું કુટુંબ ઈડર નજીકના કુકડીયા ગામનું વતની હતું. ઉપેન્દ્ર ત્રિવેદીએ 'બોમ્બે યુનિવર્સિટી'માંથી આર્ટ્સ- વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી.
ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંન્નેમાં અભિનય આપ્યો હતો. મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦માં કરી અને સતત ૪૦ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા.
ઉપેન્દ્ર ત્રિવેદીને ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર 'જેસલ તોરલ' માં મળી. તેમણે કેટલાંક ગુજરાતી ચલચિત્રોનું દિગ્દર્શન પણ * કરેલું. તેમનું 'માનવીની ભવાઈ' ગુજરાતી લેખક પન્નાલાલ પટેલની એ જ નામની નવલકથા પર આધારીત, રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચલચિત્ર છે. તેમણે મનુભાઈ પંચોળીની 'ઝેર તો પીધાં જાણી જાણી' નામક નવલકથા પર આધારીત એ જ નામના ચલચિત્રનું નિર્માણ-દિગ્દર્શન પણ કરેલું. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડીએ ૭૦ અને ૮૦ ના દાયકામાં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી.
રાજકીય કારકિર્દી : ઉપેન્દ્ર ત્રિવેદી ૧૯૮૦માં, ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને, રાજકારણમાં જોડાયા. તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦ થી ૧૯ જુલાઈ, + ૨૦૦૨ સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો. તેઓએ 'ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન’નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી.
૪ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ મુંબઈ ખાતે ઉપેન્દ્ર ત્રિવેદીનું અવસાન થયું હતું.


