કાદમ્બિની ગાંગુલી (જન્મ : ૧૮ જુલાઈ ૧૮૬૧ - અવસાન : ૩ ઑક્ટોબર ૧૯૨૩)ભારતમાં ચિકિત્સકના રૂપમાં પ્રશિક્ષિત થનારી પહેલી મહિલા કાદમ્બિની* ગાંગુલી હતા. ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા ડૉક્ટરની આજે જન્મજયંતી છે. તેમણે ૧૮૮૬માં તબીબી અભ્યાસ પૂર્ણ કરીને ભારતના પ્રથમ પ્રશિક્ષિત મહિલા ડૉક્ટરની ઉપાધિ મેળવી હતી.
કાદમ્બિની ગાંગુલીનો જન્મ ૧૮ જુલાઈ ૧૮૬૧ના રોજ બિહારના ભાગલપુર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ વ્રજકિશોર બાસુ હતું. તેમનો પરિવાર મૂળ બરિસાલ જિલ્લાના ચાંદસીનો હતો, જે વર્તમાનમાં બાંગ્લાદેશમાં આવેલ છે. તેમના પિતા ભાગલપુર શાળાના મુખ્યશિક્ષક હતા.
કાદમ્બિનીએ તેમના પ્રારંભિક શિક્ષણની શરૂઆત બંગ મહિલા વિદ્યાલયથી કરી. ૧૮૭૮માં બેથુન કોલેજીએટ સ્કૂલમાંથી કલકત્તા વિશ્વવિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરનારા પ્રથમ મહિલા બન્યાં. તેઓ ચંદ્રમુખી બાસુ સાથે બેથુન કોલેજીએટ સ્કૂલમાંથી સ્નાતકની પરીક્ષા પાસ કરી દેશના પ્રથમ મહિલા સ્નાતક બન્યા.
કાદમ્બિની ગાંગુલીએ કલકત્તા વિશ્વવિદ્યાલયમાંથી ચિકિત્સાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૮૮૬માં તેમને બંગાળ મેડિકલ કોલેજ તરફથી સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી. તેઓ આનંદી ગોપાલ જોષી સાથે પશ્ચિમી તબીબી શિક્ષણ લઇ સ્નાતક થનાર દ્વિતીય ભારતીય મહિલા બન્યા. ૧૮૯૨માં તેમણે યુનાઈટેડ કિંગડમનો પ્રવાસ કર્યો અને LRCP (એડિનબર્ગ), LRCS (ગ્લાસગો), અને GFPS (ડબલીન)ની- યોગ્યતા પ્રાપ્ત કર્યા બાદ ભારત પરત ફર્યા. લેડી ડફરીન હોસ્પિટલમાં સેવારત રહ્યા બાદ તેઓએ અંગત પ્રેક્ટીસની શરૂઆત કરી.
ઈ.સ.૧૮૮૩માં તેમણે દ્વારકાનાથ ગાંગુલી સાથે લગ્ન કર્યા હતા. કાદમ્બિની ૧૮૮૯માં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાંચમા સંમેલનમાં સામેલ ૬ મહિલા પ્રતિનિધિઓ પૈકી એક હતાં. ૩ ઑક્ટોબર ૧૯૨૩ના રોજ કલકતા ખાતે તેમનું અવસાન થયું હતું.
