છોટુભાઈ રણછોડજી નાયક (જન્મ : ૧૮ જુલાઈ, ૧૯૧૩ - અવસાન : ૯ જાન્યુઆરી, ૧૯૭૬) ગુજરાતી ભાષાના કોશકાર હતા. તેઓ ફારસી, ઉર્દૂ અને મધ્યકાલીન ઇતિહાસના અભ્યાસી હતા.
છોટુભાઈ નાયકનો જન્મ ૧૮ જુલાઈ, ૧૯૧૩ના રોજ વલસાડ જિલ્લાના ભગોદ ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પારડીમાં મેળવ્યું. ઈ.સ. ૧૯૩૫માં વડોદરા કૉલેજમાંથી બી.એ., ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘અબ્દુર્રહીમ ખાનેખાનાન અને તેનું સાહિત્યમંડળ' જેવા ફારસી વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવી. ફારસી સાહિત્યમાં પીએચ.ડી. પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા.
૧૯૪૨ થી ૧૯૬૪ સુધી કોલ્હાપુરની રાજારામ કૉલેજ, નવસારીની ગાર્ડા કૉલેજ તેમ જ અમદાવાદમાં ભો.જે. વિદ્યાભવન તથા એચ.કે. આર્ટસ કૉલેજ વગેરે વિવિધ સ્થળે અધ્યાપન કર્યું. તેઓ ૧૯૬૪ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ફારસીના રીડર અને અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૭૦માં તેમને ફારસીના માન્ય વિદ્વાન તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ મળ્યો હતો તેમજ લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીને ફેલોનું સન્માન પ્રાપ્ત થયું હતું.
*સાહિત્ય સર્જન* : ‘ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ', ‘અરબી-ફારસીની ગુજરાતી પર અસર' ભાગ ૧-૨ અને ‘સૂફીમત' વગેરે છોટુલાલ નાયકના ગ્રંથો છે. ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ ભાગ ૧, ૨, ૩ એમનું સ્થાયી પ્રદાન છે.
તેમનું અવસાન ૯ જાન્યુઆરી, ૧૯૭૬ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.
