પ્રિયંકા ચોપરા ( જન્મ : ૧૮ જુલાઈ, ૧૯૮૨) ભારતીય ફિલ્મ અભિનેત્રી અને ભૂતપૂર્વ વિશ્વ સુંદરી છે. પ્રિયંકા ચોપરાનો જન્મ જમશેદપુર, ઝારખંડમાં થયો હતો. તેમના પિતાનું નામ અશોક ચોપરા અને માતાનું નામ મધુ ચોપરા છે.
પ્રિયંકા ચોપરાએ પોતાની અભિનય કારકિર્દી, ઇ.સ.૨૦૦૨ માં તમિલ ચલચિત્ર થામિઝહાન (Thamizhan) થી શરૂ કરી હતી. પછીના વર્ષે, તેણીએ 'અનિલ શર્મા'ના ચલચિત્ર "ધ હીરો : લવસ્ટોરી ઑફ અ સ્પાય" થી હિન્દી ચલચિત્ર જગત (બોલિવુડ)માં પ્રવેશ કર્યો અને તે જ વર્ષે તેમનું બીજું ચલચિત્ર "અંદાઝ" જબરજસ્ત સફળ નિવડ્યું, જેને માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ મહિલા નવાંગતુક પુરસ્કાર મળ્યો. અબ્બાસ-મસ્તાન નિર્મિત, વિવેચકો દ્વારા પ્રશંસિત અભિનય યુક્ત ચલચિત્ર "ઐતરાઝ" માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ખલનાયક પુરસ્કાર મળ્યો. ત્યાર બાદ પ્રિયંકાએ ઘણી વ્યવસાયિક સફળતાપ્રાપ્ત ચલચિત્રો આપ્યા. ૨૦૦૮ માં "ફેશન" ચલચિત્ર માટે તેણીને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર અને નેશનલ ફિલ્મ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.
૨૦૦૪ માં, તેણીની ફિલ્મ "મુઝસે શાદી કરોગી" આવી, અને તે વર્ષની તૃતીય સર્વશ્રેષ્ઠ કમાણી કરનાર ફિલ્મ બની. ૨૦૦૬માં પ્રિયંકા ચોપરા તે વર્ષની ખૂબ સફળ ફિલ્મોમાં સ્થાન પામેલી બે ફિલ્મો ક્રિશ અને ડોનમાં ચમકી હતી. વર્ષ ૨૦૧૪માં પ્રિયંકા ચોપરાની સુપર હિટ ફિલ્મ મેરીકોમ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેણીએ બોક્સર મેરીકોમનું પાત્ર ભજવ્યું હતું. વર્ષ ૨૦૧૮માં પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા.
