નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ (Nelson Mandela International Day) દર વર્ષે ૧૮ જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ રંગભેદ, સંઘર્ષનું સમાધાન, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય લોકશાહી અને સમાધાન અને વંશીય-જાતીય સમસ્યાના ઉકેલમાં નેલ્સન મંડેલાની સક્રિય ભાગીદારી અને વિશ્વ શાંતિમાં તેમના યોગદાનને સમ્માનિત કરવા માટે ઉજવાય છે. તેમની કામગીરીને સમ્માનિત કરવા હેતુ સંયુક્ત રાષ્ટ્ર નેલ્સન મંડેલાના જન્મદિનને નેલ્સન મંડેલા ઇન્ટરનેશનલ દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.
નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મ દિવસની યાદમાં મનાવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટેનો નિર્ણય ૧૮ જુલાઈ, ૨૦૧૦ના રોજ, જ્યારે નેલ્સન મંડેલા ૯૨ વર્ષના થયા ત્યારે લેવામાં આવ્યો હતો.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ અલી ટ્રેકીએ જણાવ્યું હતું કે આ નિર્ણય એક મહાન વ્યક્તિનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો હતો, જેમણે નહીં માત્ર સામાન્ય લોકોની સુખાકારી માટે કામ કર્યું, પરંતુ તે માટેની કિંમત પણ ચુકવી. મંડેલાએ તેમના જીવનના મોટા ભાગની ઉંમર (૨૭ વર્ષ) કારાવાસ ખાતે વિતાવી હતી. કારાવાસ દરમિયાન તેઓ સૌથી વધુ સમય કેપ ટાઉન શહેરના કિનારે વસેલ કુખ્યાત રોબેન ટાપુની જેલમાં રહ્યા હતા. તેમના ૯૧મા જન્મ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ (સેક્રેટરી જનરલ) બાન કી મૂને જણાવ્યું હતું કે - " નેલ્સન મંડેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ આદર્શોના પ્રતીક છે. મંડેલાને આ આદર શાંતિ સ્થાપના, રંગભેદ દૂર કરવા,માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ સમાનતાની સ્થાપના માટે તેમના સતત પ્રયાસો માટે આપવામાં આવે છે."
નેલ્સન મંડેલાનો જન્મ ૧૮ જુલાઈ, ૧૯૧૮ના રોજ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. રંગભેદ સામેની લડતમાં નેલ્સન મંડેલાના યોગદાનને ભૂલી શકાય નહીં. ગાંધીજીની જેમ નેલ્સન મંડેલા પણ એક એવી વ્યક્તિ હતા જે અહિંસાના માર્ગ પર ચાલ્યા. નેલ્સન મંડેલાએ રંગભેદ સામે લડતા ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા હતા.
