તાબો એક નાનું પર્વતીય નગર છે, જે ભારત દેશમાં હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પિતિ જિલ્લામાં સ્પિતી નદીના કિનારે આવેલ છે. આ નગર રેકોન્ગ પેઓ અને કાજા (વૈકલ્પિક જોડણી: કાઝા, સ્પિતિ જિલ્લાનું પેટા-વિભાગીય મથક)ને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ છે. આ નગર એક બૌદ્ધ મઠની આસપાસ આવેલ છે. જે એક હજાર વર્ષ જૂનો કહેવામાં આવે છે. તાબો ખાતેનો બૌદ્ધ મઠ સૌથી પવિત્ર મઠ પૈકીનો એક છે. 'કાલચક્ર અભિષેક'નું આયોજન આ મઠ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયં દલાઈ લામા દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. જેની સાથે મઠની હજારમી વર્ષગાંઠની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ સમારંભમાં સમગ્ર વિશ્વમાંથી હજારો બૌદ્ધ અનુયાયીઓએ હાજરી આપી હતી.
*ભૂગોળ અને આબોહવા* ~
આ ગામ દરિયાઈ સપાટીથી ૧૦,૭૬૦ ફીટ/ ૩,૨૮૦ મીટર ઉંચાઈ પર આવેલું છે. તાબોની આબોહવા ખૂબ જ અણધારી રહે છે કારણ કે અહીં વાતાવરણ વાદળછાયુંથી માંડીને પૂર્ણ તડકાવાળું તેમ જ બરફીલું રહે છે અને ભારે બરફવર્ષા પણ થાય છે. અહીં ઉનાળો ટૂંકો હોય છે અને શિયાળો લાંબા સમય સુધી રહે છે.
*ફરવાલાયક સ્થળો* :-
*તાબો બૌદ્ધ મઠ* ~
તાબો ખાતેના મઠ પરિસરની અંદર આવેલ બૌદ્ધ મંદિરો ખાતે જટિલ ભીંત ચિત્રો અને માટીની મૂર્તિઓ ઉત્તમ કક્ષાનાં છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા-ASI) દ્વારા પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
*તાબોની ગુફાઓ *~
તાબોના બૌદ્ધ મઠ (ગોમ્પા)ની સામે એક કુદરતી ગુફા છે. આ ગુફાઓમાં હવે માત્ર એક જ ગુફા 'ફુ ગોમ્પા' સુરક્ષિત હાલતમાં છે અને ગામથી થોડા અંતરે હોવાને કારણે તેને 'ફુ' કહેવામાં આવે છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગ બાકીની ગુફાઓને બચાવવા માટે સખત પ્રયત્ન કરે છે. આ ગુફાઓની દિવાલો પરની મૂર્તિઓ હજુ પણ રહેલ છે. કેટલાક ચિત્રો હજુ પણ સલામત સ્થિતિમાં છે. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓના ચિત્રો છે.



