દુર્ગાબાઈ દેશમુખ (જન્મ : ૧૫ જુલાઇ ૧૯૦૯ અવસાન : ૯ મે ૧૯૮૧) સ્વાતંત્ર્યસેનાની, વકીલ, રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. તેઓ ભારતીય સંવિધાન સભા અને યોજના આયોગના સદસ્ય હતા. સામાજીક કાર્યકર્તા તરીકે ૧૯૩૭માં મહિલાઓની સ્વતંત્રતા માટે આંધ્ર પ્રદેશ મહિલા સભાની સ્થાપના કરી. તેઓ કેન્દ્રીય સમાજ કલ્યાણ બોર્ડના સંસ્થાપક પણ હતા. ૧૯૫૩માં તેમના લગ્ન ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ ગવર્નર અને ૧૯૫૦-૧૯૫૬ દરમિયાન ભારતના નાણામંત્રી રહી ચૂકેલા સી. ડી. દેશમુખ સાથે થયાં હતા.
દુર્ગાબાઈનો જન્મ તા. ૧૫ જુલાઈ ૧૯૦૯ ના રોજ આંધ્ર પ્રદેશમાં રાજમુંદરી જિલ્લાના કાકીનાડા ખાતે થયો હતો. દુર્ગાબાઈ શરૂઆતના વર્ષોથી જ ભારતીય રાજકારણ સાથે
જોડાયેલાં હતાં. ૧૨ વર્ષની ઉંમરે તેમણે અંગ્રેજી માધ્યમની શિક્ષણ પદ્ધતિ લાગુ કરવાના વિરોધમાં શાળા છોડી દીધી. બાદમાં તેમણે બાલિકાઓ માટે હિન્દી માધ્યમના શિક્ષણને ઉત્તેજન આપવા માટે રાજમુંદરી ખાતે બાલિકા હિન્દી પાઠશાળા શરૂ કરી.
૧૯૨૩માં તેમના વતન કાકીનાડા ખાતે યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં સ્વયંસેવક તરીકે હાજરી આપી તથા ખાદી પ્રદર્શનના પ્રભારી તરીકેની જવાબદારી સંભાળી. અંગ્રેજો વિરુદ્ધની આઝાદીની લડતમાં તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી હતા. તેઓ એક પ્રમુખ સમાજ સુધારક હતા તેમણે ગાંધીજીના નેતૃત્ત્વમાં આયોજિત મીઠાના કાયદા વિરૂદ્ધની સત્યાગ્રહ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૧૯૩૦ થી ૧૯૩૩ના સમયગાળા દરમિયાન અંગ્રેજ સરકાર દ્વારા તેમની ત્રણ વાર ધરપકડ કરી કારાવાસની સજા ફરમાવવામાં આવી.
દુર્ગાબાઈ ૧૯૫૩માં ભારત સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મહિલા શિક્ષા પરિષદના -પ્રથમ અધ્યક્ષ બન્યા. ૧૯૬૩માં વોશિંગટન ડી.સી. ખાતેની વિશ્વ ખાદ્ય કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ભાગ લીધો. આંધ્ર વિશ્વવિદ્યાલય, વિશાખાપટ્ટનમ ખાતે મહિલા અધ્યયન વિભાગનું નામ તેમના સન્માનમાં ડૉ. દુર્ગાબાઈ દેશમુખ સેન્ટર ફોર વુમન સ્ટડીઝ રાખવામાં આવ્યું છે.
તા. ૯ મે ૧૯૮૧ના રોજ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના નારસનપેટા ખાતે તેમનું અવસાન થયું હતું.


