કુમારસ્વામી કામરાજ (જન્મ : ૧૫ જુલાઈ, ૧૯૦૩ - અવસાન : ૨ ઑક્ટોબર, ૧૯૭૫) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંસ્થાપક નેતા હતા જે વર્ષ ૧૯૬૦ના દશકમાં ભારતીય રાજનીતિમાં કિંગમેકર તરીકે જાણીતા હતા. વર્ષ ૧૯૬૪ થી ૧૯૬૭ દરમિયાન તેઓ બે કાર્યકાળ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. કુમારસ્વામી કામરાજ ૧૩ એપ્રિલ, ૧૯૫૪ થી ૨ ઑક્ટોબર ૧૯૬૩ દરમિયાન મદ્રાસ રાજ્ય (વર્તમાન તમિલનાડુ)ના ત્રીજા મુખ્યમંત્રી તેમજ ૧૯૫૨-૧૯૫૪ અને ૧૯૬૬-૧૯૭૫ દરમિયાન લોકસભાના સાંસદ રહ્યા. તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. જવાહરલાલ નહેરુના મૃત્યુ પછી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પક્ષના સંચાલનમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મદ્રાસના મુખ્યમંત્રી તરીકે વંચિતોને મફત શિક્ષણ આપવાની તથા શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના કાર્યાન્વિત કરવાનું શ્રેય કામરાજને જાય છે. વર્ષ ૧૯૭૬માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કુમારસ્વામી કામરાજનો જન્મ ૧૫ જુલાઇ, ૧૯૦૩ના રોજ તમિલનાડુ રાજ્યના વિરુધુનગર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ કુમારસ્વામી નાદર અને માતાનું નામ શિવાકામી અમાલને હતું. તેમણે વર્ષ ૧૯૦૭માં શાળામાં પ્રવેશ મેળવ્યો પરંતુ ૬ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થતાં શાળા અભ્યાસ અધૂરો છોડી કુટુંબ નિર્વાહમાં માતાની મદદમાં લાગી ગયા.
કિશોરાવસ્થા દરમિયાન કામરાજ હોમરુલ આંદોલનના જાહેર સભા-સરઘસોમાં ભાગ લેવા લાગ્યા તથા સમાચારપત્રોના વાંચનથી તત્કાલીન રાજનૈતિક પરિસ્થિતિઓમાં રસ-રુચિ વિકસિત કરી. જલિયાંવાલા બાગ હત્યાકાંડની ઘટના તેમના જીવનમાં નિર્ણાયક સાબિત થઈ. આ ઘટનાથી પ્રભાવિત થઈને તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં હિસ્સો લેવાનો નિર્ણય કર્યો.
વર્ષ ૧૯૨૦માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુર્ણકાલીન સક્રિય કાર્યકર બન્યા. વર્ષ ૧૯૨૧માં તેમણે વિરુધુનગરમાં કોંગ્રેસી નેતાઓની સભાઓનું આયોજન કર્યું. તેઓ મહાત્મા ગાંધીની મુલાકાત માટે ઉત્સુક હતા અને ૨૧ સપ્ટેમ્બર, ૧૯૨૧માં ગાંધીજીના મદુરાઇ પ્રવાસ દરમિયાન તેમની સાથે મુલાકાત કરી. તેમણે કોંગ્રેસના પ્રચાર- પ્રસાર માટે ગામડાંઓનો પ્રવાસ કર્યો. વર્ષ ૧૯૨૨માં અસહયોગ આંદોલનના ભાગરૂપે પ્રિન્સ ઑફ વેલની ભારત મુલાકાતનો વિરોધ કર્યો અને મદ્રાસ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શનનું નેતૃત્ત્વ કર્યું. જૂન ૧૯૩૦માં દાંડી માર્ચની સમાંતરે વેદારણ્યમ ખાતેના મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ બે વર્ષની કારાવાસની સજા ભોગવી.
કુમારસ્વામી કામરાજે મદ્રાસ રાજ્યના તત્કાલીન ગવર્નર સર આર્થર હોપ દ્વારા દ્વિતીય વિશ્વ યુદ્ધ માટે ભંડોળ એકત્ર કરવાની કામગીરીનો વિરોધ કરતાં રાજ્યમાં જોરદાર લડત ચલાવી. ડિસેમ્બર ૧૯૪૦માં ભંડોળ એકત્ર કરવાની કામગીરી વિરુદ્ધ ભાષણો આપવા બદલ ગંતૂર ખાતે ધરપકડ કરાઈ અને વેલ્લોરની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા. જેલવાસ દરમિયાન જ તેઓ વિરુધુનગર નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા. નવ માસની જેલની સજા બાદ નવેમ્બર ૧૯૪૧માં જેલમાંથી છૂટતાંની સાથે નગરનિગમના સભ્યપદેથી રાજીનામું આપ્યું.
વર્ષ ૧૯૪૨માં કામરાજે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુંબઈ અધિવેશનમાં ભાગ લીધો તથા હિંદ છોડો આંદોલનની પ્રચાર સામગ્રીના પ્રસાર માટેની જવાબદારી ઉપાડી લીધી. પોલીસે અધિવેશનમાં ભાગ લેનારા તમામ નેતાઓની ધરપકડના આદેશ આપ્યા જે અંતર્ગત ઓગસ્ટ ૧૯૪૨માં તેમની ધરપકડ કરાઈ. તેઓ ત્રણ વર્ષ નજરકેદ રહ્યા બાદ જૂન ૧૯૪૫માં મુક્ત કરવામાં આવ્યા. આ તેમની અંતિમ જેલયાત્રા હતી. કામરાજને સ્વતંત્રતા સમર્થક પ્રવૃત્તિઓ માટે બ્રિટિશ શાસન દરમિયાન છ વાર કેદ કરવામાં આવ્યા હતા.
કુમારસ્વામી કામરાજને વર્ષ ૧૯૭૬માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨ ઑક્ટોબર, ૧૯૭૫ના રોજ કુમારસ્વામી કામરાજનું અવસાન થયું હતું.


