ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮) નાં શિક્ષકોને છઠ્ઠા પગારપંચ પ્રમાણે ૪૨૦૦ ગ્રેડ પે આપવા બાબત...
રાજ્યના પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200 ગ્રેડ પે મળતો હતો તેના બદલે 2800નો ગ્રેડ પે કરી નખાતાં શિક્ષકોમાં ખૂબ અસંતોષ સાથે આક્રોશ વ્યાપી ગયો હતો. કારણ કે આ નિર્ણયથી શિક્ષકોને મોટું આર્થિક નુકસાન થાય એમ હતું. આ અન્યાયી પરિપત્ર રદ કરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે લડત ચલાવી હતી, જેથી આખરે વિવાદિત પત્ર શિક્ષણ વિભાગે સ્થગિત કરતાં શિક્ષકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીષ પટેલ તથા રાજ્ય સંઘની સમગ્ર ટીમ દ્વારા સરકારમાં તથા શિક્ષણ વિભાગમાં વખતોવખત વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સંઘના આદેશથી સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાએ ધરણા કાર્યક્રમ માં 4200 ગ્રેડ પે ના મુદ્દાને અગ્રતાની રીતે લઇ લડત કરવામાં આવી હતી અને અંતે ગાંધીનગર મુકામે રાજ્ય સંઘના આદેશથી હજારો પ્રાથમિક શિક્ષકો 4200 અને અન્ય પડતર માંગણીઓ માટે ધરણામાં જોડાયા હતા.
ધરણા કાર્યક્રમ બાદ સરકારે આ માંગણીઓ માટે સમિતિની રચના કરેલ અને ઘણી બધી બેઠકો બાદ આજે 4200 ગ્રેડ પે નો આપવાનો પરિપત્ર જ્યાં સુધી આ અંગે નીતિવિષયક નિર્ણયો ન લેવાય ત્યાં સુધી સ્થગિત કરવાનો પરિપત્ર થતાં 4200 ગ્રેડ પે પૂર્વવત ચાલુ થઈ જવાની આશાએ શિક્ષકોમાં અને ખાસ કરીને 2010 પછી લાગેલા શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે. રાજ્યના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને અસરકર્તા શિક્ષણ વિભાગના આ નિર્ણયને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી કેરણાભાઇ આહિર, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, હરદેવસિહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા વગેરે દ્વારા આવકારમાં આવ્યો છે અને તેમણે સફળતાનો યશ સંગઠન ઉપરાંત લડતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલ સૌ શિક્ષકોને આપ્યો છે.
વિષય :- ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮)માં કામ કરતા શિક્ષકોને તેમની લાયકાત મુજબ છઠ્ઠા પગારપંચ પ્રમાણે મુળ પગાર ધોરણ ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે ૪૨૦૦ પગાર આપવા બાબત.
સવિનય,
સાદર નમસ્કાર,
શિક્ષણનાં અધિકાર અધિનિયમ–૨૦૦૯ અને ગુજરાત શૈક્ષણિક કાયદા (સુધારા) અધિનિયમ ૨૦૧૦ અન્વયે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક શિક્ષણ વિભાગ અને ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગ ગણાય છે. આર.ટી.ઈ. એક્ટ ૨૦૦૯ અનુસાર ધોરણ ૬ થી ૮ માં વિષય મુજબ વિષય શિક્ષકોની ભરતી કરવાની જોગવાઈ છે. સદર જોગવાઈ અનુસાર ભાષા, ગણિત – વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન નાં વિષય શિક્ષકોની નિમણુક કરવામાં આવે છે. ઉચ્ચ પ્રાથમિક વિભાગનાં વિષય શિક્ષકોની નિમણુક માટેની શૈક્ષણિક લાયકાત સ્નાતક અને તાલીમી લાયકાત બી.એડ. નક્કી કરવામાં આવેલ છે. નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોના વિષય વસ્તુનો કાર્યભાર, લાયકાત અને જવાબદારીઓમાં તફાવત હોવા છતાં બન્ને વિભાગના શિક્ષકોને એકસમાન પગાર ધોરણ આપવામાં આવે છે આમ પગાર ધોરણ બાબતે વિસંગતા છે.
E shram card ragistration:Click here
પ્રાથમિક વિભાગમાં શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી./એચ.એસ.સી. અને તાલીમી લાયકાત પી.ટી.સી. ધરાવતા શિક્ષકો ફરજ બજાવે છે. પી.ટી.સી. એ એચ.એસ.સી. પછી બે વર્ષનો અભ્યાસક્રમ છે. જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં શૈક્ષણિક લાયકાત સ્નાતક અને તાલીમી લાયકાત બી.એડ. ધરાવતા શિક્ષકો ફરજ બજાવે છે. સ્નાતક અને બી.એડ. એ એચ.એસ.સી. પછી ચાર/પાંચ વર્ષનો અભ્યાસક્રમ છે. આમ બન્નેની લાયકાતમાં મોટો તફાવત હોવા છતાં સમાન પગાર ધોરણ હોય તે બાબતને વિસંગતતા ગણી શકાય.
ધોરણ 1 થી 5 માટે Tet 1અને 6 થી 8 માટે Tet 2 એમ લાયકાત મુજબ પરીક્ષા પણ અલગ અલગ લેવામાં આવે છે.તો પછી બંનેના ગ્રેડ સમાન કઇ રીતે હોય શકે.?
પ્રાથમિક વિભાગ કરતા ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં વિષય વસ્તુનું ભારણ વધુ હોય છે. તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં કામ કરતા શિક્ષકોને દિવસ દરમ્યાન ત્રણેય ધોરણમાં થઇને ફરજીયાત ૮ પિરિયડનું શૈક્ષણિક કાર્ય થાય છે.
માધ્યમિક વિભાગમાં એક વર્ગનાં પ્રમાણમાં દોઢ શિક્ષકનું મહેકમ હોય છે. એટલે કે ત્રણ વર્ગના પ્રમાણમાં ૫ શિક્ષકો મળવાપાત્ર હોય છે. માધ્યમિક વિભાગમાં શિક્ષકની શૈક્ષણિક લાયકાત સ્નાતક અને તાલીમી લાયકાત બી.એડ. છે. તેઓની લાયકાત ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮)માં કામ કરતા શિક્ષકોની લાયકાતને સમાન હોવા છતાં માધ્યમિક શિક્ષકોને છઠ્ઠા પગારપંચ મુજબ મુળ પગાર ધોરણ ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે ૪૨૦૦ આપવામાં આવે છે જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભગમાં કામ કરતા શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવામાં આવતો નથી.
માધ્યમિક વિભાગમાં કામ કરતા શિક્ષકોને એક અઠવાડિયામાં ૩૬ તાસનો વિષય વસ્તુનો કાર્યબોજ છે. જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં કામ કરતા શિક્ષકોને એક અઠવાડિયામાં ૪૫ તાસનો વિષય વસ્તુનો કાર્યબોજ છે. તેથી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં કામ કરતા શિક્ષકોને માધ્યમિક વિભાગના શિક્ષકોને સમકક્ષ પગાર ધોરણ મળવું જોઈએ.
હાલમાં માધ્યમિક વિભાગમાં સ્નાતક + બી.એડ.ની લાયકાત ધરાવતા શિક્ષકોને છઠ્ઠા પગારપંચ મુજબ મુળ પગાર ધોરણ ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે ૪૨૦૦ અને સાતમાં પગારપંચ મુજબ ૩૫૪૦૦-૧૧૨૪૦૦ મુજબ પગાર ચુકવવામાં આવે છે. જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગનાં શિક્ષકોને માધ્યમિક શિક્ષકની સમાન લાયકાત સાથે નિમણુક કરેલ હોવા છતાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને તેમની લાયકાત મુજબ પગાર આપવામાં આવતો નથી. આમ સમાન લાયકાત સમાન પગાર ધોરણનાં નિયમ મુજબ આ બાબતને વિસંગતા ગણી શકાય.
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક શાળા તથા જવાહર નવોદય શાળામાં ફરજ બજાવતા ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮)નાં શિક્ષકોને છઠ્ઠા પગારપંચ મુજબ મુળ પગાર ધોરણ ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે ૪૨૦૦ અને સાતમાં પગારપંચ મુજબ ૩૫૪૦૦-૧૧૨૪૦૦ મુજબ પગાર ચુકવવામાં આવે છે.
ગુજરાત સરકારશ્રી દ્વારા કેન્દ્ર સરકાર સમકક્ષ પગાર ધોરણ સ્વીકારમાં આવેલ છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દમણ, રાજસ્થાન, કર્ણાટક જેવા રાજ્યમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં કામ કરતા શિક્ષકોને છઠ્ઠા પગારપંચ મુજબ મુળ પગાર ધોરણ ૯૩૦૦-૩૪૮૦૦, ગ્રેડ પે ૪૨૦૦ અને સાતમાં પગારપંચ મુજબ ૩૫૪૦૦-૧૧૨૪૦૦ મુજબ પગાર આપવામાં આવે છે. તો આપણા રાજ્યમાં આ પગાર ધોરણનું અમલીકરણ કરવામાં આવે તે જરૂરી છે.
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દમણ જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ મળે છે તેજ ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોનુ મૂળ પગાર ધોરણ આપવામાં આવે છે. તેમજ ગુજરાત સરકારમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોનુ મૂળ પગાર ધોરણ માધ્યમિક શિક્ષકોનુ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ જ છે. જેથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને પણ પ્રાથમિક શિક્ષકોનુ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ ૯૩૦૦-૩૪૮૦૦ + ૪૨૦૦ ગ્રેડ પે 6ઠ્ઠા પગાર પંચ મુજબ મળવુ જોઇએ.
પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર અને અસરકારક બનાવવામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોનુ મહત્વનું યોગદાન છે. ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકોને તેમની લાયકાત અને યોગ્યતાના ધોરણે પગાર આપવામાં આવે તો તેમની અસંતોષ અને અન્યાયની ભાવના દૂર થશે. જેથી તેઓ વધારે ઉત્સાહ, આનંદ અને ઉમંગ સાથે પોતાની ફરજ બજાવશે તથા આપણા ગતિશીલ ગુજરાતને ગતિ આપવામાં તેઓ વધુ ઉત્સાહથી સહભાગી થશે.
AEI related information: Click here
4200(ગ્રેડ પે)ની બબાલ:શિક્ષકો અને સરકાર
ઉપરોક્ત આંકડો હમણાંથી બહુ ચર્ચામાં છે,ક્યાંક ને ક્યાંક આપની નજરે ચઢ્યો હશે.WhatsApp, Status, Facebook, Twitter વગેરે પર #4200 લખેલું તમારા ધ્યાન પર આવ્યું હશે.TV અને છાપામાં પણ આ મુદ્દો ચગી રહ્યો છે.
આ વાતને વિગતે સમજવા માટે શિક્ષણ ખાતાની કેટલીક વહીવટી બાબતો સમજવી પડે.
આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ જુનિયર ક્લાર્ક હોય તો એને પ્રમોશન મળતાં એ સિનિયર ક્લાર્ક બને,હેડ ક્લાર્ક બને,ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ પણ બની શકે.સામાન્ય રીતે બધી જ સરકારી નોકરીઓમાં બઢતીની જોગવાઈઓ હોય છે.અને બઢતી મળે એટલે પગાર વધે એ સ્વાભાવિક છે.પણ શિક્ષકની નોકરીમાં બઢતીની સંભાવનાઓ બહુ ઓછી હોય છે.મોટાભાગના શિક્ષકો શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરે છે અને નિવૃત્ત પણ શિક્ષક તરીકે જ થાય છે.(બહુ જ ઓછા શિક્ષકો આચાર્ય કે પછી શિક્ષણ વિભાગમાં અધિકારી બને છે)
હવે જો શિક્ષકની નોકરીમાં બઢતીને ખાસ અવકાશ નથી તો એમને પ્રવરતા(Seniority)ના લાભ કઈ રીતે આપવા?
એના માટે ચોક્કસ જોગવાઇઓ થયેલી છે.શિક્ષક તરીકે નોકરી લાગ્યા પછી 9, 20 અને 31 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે.એટલે કે કોઈ વ્યક્તિ 2000ની સાલમાં શિક્ષક તરીકે નોકરી લાગે તો 2009,2020 અને 2031 ના વર્ષમાં એના પગારમાં મોટો વધારો થાય.
આપણે એ જાણીએ છીએ કે સરકારી નોકરિયાતોના પગાર વિશે મંથન કરવા માટે દર દસ વર્ષે પગાર પંચ નીમવામાં આવે છે અને એનાં સૂચનોના આધારે પગારમાં વધારો કરવામાં આવે છે.2006માં છઠ્ઠા પગાર પંચની ભલામણો આવેલી.દરેક પગાર પંચ વખતે પગાર બાંધણીનું માળખું પણ બદલાતું હોય છે.છઠ્ઠા પગાર પંચમાં 'પે-બેન્ડ અને ગ્રેડ પે' જેવા વહીવટી શબ્દો હતા.(2016 થી લાગુ પાડેલ સાતમા પગાર પંચમાં એના બદલે 'પે મેટ્રીક્ષ' છે)
હવે સીધો પ્રાથમિક શિક્ષકોના પગાર પર આવું.પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાનાર વ્યક્તિને શરૂઆતમાં 5200-20200 પે-બેન્ડ અને 2400 ગ્રેડ પે પ્રમાણે પગાર મળે.જોગવાઇ પ્રમાણે 9 વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ વખતે ગ્રેડ-પે 2400 થી વધીને 4200 થતો હતો.જે 20 વર્ષ પછી 4400 અને 31 વર્ષ પછી 4600 થતો હતો.ટૂંકમાં ચોક્કસ નિયમો મુજબ પગાર વધતો હતો.
CCE mains update:Click here
【9 વર્ષે મળવો જોઈતો પગાર વધારો 14 વર્ષે મળતો હતો કારણ કે ફિક્સ પગારનાં પાંચ વર્ષ સેવામાં ગણવામાં આવતા નહોતાં એ નોંધવું ઘટે】
હવે 2009ના વર્ષમાં સંસદે બંધારણમાં RIGHT TO Education (R.T.E.-શિક્ષણનો અધિકાર)ની જોગવાઇ કરી અને થોડાક સમય બાદ એ આપણા રાજ્યમાં પણ લાગુ કરવામાં આવ્યો. એમાં એક મુખ્ય ફેરફાર એ આવ્યો કે અત્યાર સુધી ગુજરાતમાં આઠમું ધોરણ માધ્યમિક વિભાગમાં ગણાતું હતું એ પ્રાથમિક વિભાગમાં આવી ગયું. એટલે કે 1થી7 ની શાળાઓ હવે 1થી8 ની થઈ.
બીજો એક ફેરફાર એ આવ્યો કે પ્રાથમિક શાળાના બે ભાગ પડ્યા.ધોરણ 1થી5 પ્રાથમિક કહેવાય અને ધોરણ 6થી8 ઉચ્ચ પ્રાથમિક.
2009 સુધી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 12 પાસ કરીને P.T.C.ની લાયકાત ધરાવનાર વ્યક્તિની શિક્ષક તરીકે નિમણૂક થતી હતી.અને શાળામાં હાજર શિક્ષકોમાંથી સૌથી લાંબી નોકરી ધરાવનાર વ્યક્તિ શિક્ષક સિવાય આચાર્યનું કામ પણ કરતા.(શાળાને અલગથી આચાર્ય મળતા નહોતા)
હવે 1થી7 ના બદલે 1થી8 થયું અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ અલગ પડ્યો એટલે મોટાં ધોરણ ભણાવવા માટે મોટી શૈક્ષણિક લાયકાત ધરાવનાર લોકોની ભરતી થઈ.6થી8 ના શિક્ષક માટે સ્નાતક(Graduate)+B.Ed. ની લઘુત્તમ લાયકાત રાખવામાં આવી.2010 થી માંડીને 2019 સુધી આવા હજારો શિક્ષકોની ભરતી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં થઈ.【સ્નાતક(Graduate), અનુસ્નાતક(Post Graduate) થી લઈને વિદ્યાવાચસપ્તિ(Ph.D.) જેવી પદવીઓ ધરાવનાર ઘણા બેરોજગાર યુવાનો શિક્ષક તરીકે જોડાયા.】
હવે વાતમાં થોડોક વળાંક આવે છે.R.T.E. મુજબ પ્રાથમિક શાળાના બે ભાગ પડ્યા.પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક,બન્નેના શિક્ષકોની શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ.એ મુજબ કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં તથા ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં 1થી5 અને 6થી8 ના શિક્ષકોનો પગાર અલગ અલગ છે.આ વાતો જાણીને ગુજરાતના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં કામ કરતા શિક્ષકો સળવળ્યા. અને લગભગ ચારેક વર્ષથી અલગ પગાર ધોરણની માંગણી શરુ થઈ.
1થી8 માં કામ કરતા શિક્ષકોને શરૂઆતમાં 2400 ગ્રેડ પે પ્રમાણે પગાર મળતો હતો એના બદલે એવી માંગણી શરુ થઈ કે 6થી8 ના શિક્ષકો ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવે છે એટલે એમને પહેલા દિવસથી 2400 ના બદલે 4200 ગ્રેડ પે પ્રમાણે પગાર મળવો જોઈએ.
સરકાર માટે આ નવો મુદ્દો ઊભો થયો.6થી8માં કામ કરતા કેટલાક આગેવાન શિક્ષકોએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવાનું શરુ કર્યું.WhatsApp પર group બન્યાં.ધારાસભ્યો મારફત સરકાર પર દબાણ લાવવાની કોશિશ પણ થઈ. ઘણા બધા લોક પ્રતિનિધિઓએ આ મુદ્દે શિક્ષણ વિભાગને પત્ર લખીને પણ રજૂઆત કરી. ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકો આ મુદ્દે મેળાવડા પણ યોજવા માંડ્યા. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ પોતાની રીતે આ મુદ્દે સરકારમાં રજૂઆતો કરી.એક તબક્કે તો એવું લાગવા લાગ્યું કે ઉચ્ચ પ્રાથમિકના શિક્ષકોનો પગાર પ્રાથમિક કરતાં અલગ થઈ જશે અને પ્રથમ દિવસથી જ 4200 ગ્રેડ પે પ્રમાણે પગાર મળવા માંડશે.કેટલાક તો હરખાઈને ગણતરીઓય કરવા માંડ્યા હતા.સરકાર આવું કરે તો ઘણાં નાણાં ખર્ચાય એમ હતાં એટલે સચિવાલયમાંથી આ મુદ્દે સ્પષ્ટ હા કે ના આવતી નહોતી.
અને અચાનક સરકારે ભેદી Master Stroke ખેલીને બાજી પલટાવી નાખી.
પ્રાથમિક શાળાના શિક્ષકોના ઉપરી તરીકે કેળવણી નિરીક્ષકનો એક હોદ્દા હોય છે. કે જે શાળાઓમાં Inspection નું કામ કરે.કેળવણી નિરીક્ષકનો શરૂઆતનો પગાર 4200 ગ્રેડ પે પ્રમાણે હોય છે.કેટલાક શિક્ષકોને બઢતીમાં આ હોદ્દા પર નિમણૂક આપવામાં આવતી.હવે R.T.E. આવ્યા બાદ પ્રાથમિક શાળાઓમાં અલગથી આચાર્યની નિમણૂક કરવાનું શરુ થયું. શિક્ષક તરીકે 5 વર્ષનો અનુભવ ધરાવનાર H-TAT (Head Teacher Aptitude Test) નામની પરીક્ષા આપીને પ્રાથમિક શાળામાં આચાર્ય બની શકે એવી જોગવાઇ થયેલી.એમનો શરૂઆતનો પગાર પણ 4200 ગ્રેડ પે પ્રમાણે મળતો.
અહીં આ બાજુ 6થી8 ના શિક્ષકો પણ પહેલા દિવસથી 4200 ગ્રેડ પેની માંગણી લઈને બેઠા હતા.
બધાના આશ્ચર્ય વચ્ચે સરકારે ગયા વર્ષે એવો પરિપત્ર કરી નાખ્યો કે,અત્યાર સુધી કેળવણી નિરીક્ષક તરીકેની બઢતી પ્રાથમિક શાળાના શિક્ષકોને મળતી હતી પણ નવા બનાવેલા નિયમો મુજબ હવેથી HTAT આચાર્ય જ એ બઢતીને લાયક છે એટલે શિક્ષકોને કે.નિ.નું પ્રમોશન મળવા પાત્ર નથી.
આનું અર્થઘટન એવું કરવામાં આવ્યું કે અત્યાર સુધી 2400 ગ્રેડ પે પગાર મેળવતા શિક્ષકોને 9 વર્ષ બાદ 4200 ગ્રેડ પે પ્રમાણે પગાર મળતો હતો એના બદલે 2800 ગ્રેડ પે પ્રમાણે જ મળશે.
(એક પરિપત્ર જો બદલ દે આપકી દુનિયા)
અલ્યા,4200 ગ્રેડ પે ની માંગણી તો પહેલા દિવસથી હતી,એના બદલે સરકારે એવું કાંઇક કર્યું કે હવે 9 વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો એય નહીં મળે.
આથી પગાર વધારાની માંગણી તો બાજુ પર રહી પણ 9 વર્ષે મળતો પગાર વધારો યથાવત રાખવાની માંગણી કરવાના દિવસો આવ્યા.(બિચારા શિક્ષકો)
6થી8 ના શિક્ષકો તો ઊંધા માથે પછડાયા જ સાથે સાથે 1થી5 ના શિક્ષકો પણ લટક્યા.
શિક્ષણ વિભાગે કરેલા પરિપત્ર સામે પ્રાથમિક શિક્ષણ નિયામકે પત્ર લખીને સ્પષ્ટતા કરી કે પ્રાથમિક શાળાના શિક્ષકોને કે.નિ. તરીકેની બઢતી ના મળે તોય એમનાં 9 વર્ષના ઉચ્ચતર પગાર ધોરણમાં કાંઇ ફેર ના પડે કારણકે હવે શિક્ષકોને HTAT આચાર્ય તરીકેની બઢતી મળે જ છે અને એનો ગ્રેડ પે 4200 જ છે.
પણ સરકારે પોતાના જ અધિકારીનો સાચો તર્ક માન્ય ના રાખ્યો અને આ મુદ્દો ચગડોળે ચઢ્યો.પોતાને 9 વર્ષ બાદ મળતા લાભો છીનવાઈ જતાં શિક્ષકોએ ઉગ્ર રજૂઆતો કરી. જવાબમાં સરકારે એક સમિતિની રચના કરવાનું નક્કી કર્યું.
(બોલો છે ને ભયંકર,અલ્યા જે મળતું હતું એ લઈ લીધું અને હવે પાછું માંગવામાં આવ્યું ત્યારે આપવું કે ના આપવું એ માટે સમિતિ!)
સમિતિને અપાયેલ સમયગાળો પૂર્ણ થતાં જે પરિણામ આવ્યું છે એ પણ શિક્ષકોને માન્ય નથી જ.
કારણકે એમાં પહેલાં જેવું નથી.
હવે આ શિક્ષકો પોતાને 9 વર્ષે મળતા હતા એ છીનવી લેવાયેલ લાભો પાછા મેળવવા Social Media પર #4200 લખીને આંદોલન કરી રહ્યા છે.પણ સાંભળે છે કોણ???
એક બાજુ સમાજમાં એવો ખોટો પણ ખ્યાલ પ્રવર્તે છે કે શિક્ષકોને તો 12 મહિનાની નોકરીમાં 6 મહિના રજા હોય છે.ઘણો મોટો વર્ગ એવું માને છે કે શિક્ષકો તો મફતનો પગાર લે છે.(જે સંપૂર્ણ સત્ય નથી-
કેટલાક ટકા અયોગ્ય લોકોના કારણે શિક્ષક આલમ બદનામ થઈ રહ્યો છે.)
મારે તો એટલું જ કહેવું છે કે શિક્ષકો એ આપણા સમાજની બૌદ્ધિક સંપત્તિ છે.તેઓ આવી ચિંતાઓમાં અટવાયેલા રહેશે તો ચિંતન ક્યારે કરશે?
હું ચાર વર્ષથી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરું છું અને આવી ઘણી બધી વહીવટી ગૂંચવણોમાં શિક્ષકોને વ્યસ્ત જોઉં છું ત્યારે એમ થાય છે કે આપણે આપણું બૌદ્ધિક ધન ગુમાવી રહ્યા છીએ.સરકારે તો શિક્ષકોને સુંદર રીતે સાચવવા જોઈએ એના બદલે અવળું થઈ રહ્યું છે.
●થોડાક સમય પહેલાંય સરકારે ઉપરના કિસ્સા જેવું જ કરેલું.સરકારી કર્મચારીઓને એક વર્ષમાં 10 મેડીકલ રજાઓ મળે છે.જો એ રજાઓ ભોગવવામાં ના આવે તો દર વર્ષે જમા થાય.જો વ્યક્તિ આ રજાઓ વાપરે નહીં અને ભેગી થયે જાય તો નિવૃત્તિ વખતે આવી મહત્તમ 300 રજાઓનો પગાર રોકડ સ્વરુપે મળે. એટલે કે દસેક મહિનાનો પગાર.
બે વર્ષ પહેલાં સરકારે અચાનક પરિપત્ર કરી દીધો કે હવે 300 ના બદલે મહત્તમ 150 રજાઓનો જ પગાર રોકડમાં મળશે.
એનો ભારે વિરોધ થયો અને ફરી 300 કરાઈ.
બસ આવું જ ચલાવ્યે રાખવું છે કે શું?
આપેલું લઈ લેવાનું અને માંગણી બાદ પાછું આપવાનું અને એય જાહેરાતો સાથે.(આભાસી લાભ)
માન્યું કે ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું છે પણ આવું થવામાં સૌની વધતી-ઓછી હિસ્સેદારી છે.
શિક્ષકો પાસેથી સારા પરિણામની અપેક્ષા હોય તો તંત્ર અને શાળાઓ વચ્ચે સંવાદ થવો જોઈએ.અહીં તો શિક્ષકો પોતાના તાલુકાના શિક્ષણ અધિકારી સામે પણ બોલી શકતા નથી.(ડર)
ભયભીત,ચિંતિત,પીડિત શિક્ષક સ્વસ્થ-નિર્ભિક સમાજનું નિર્માણ ક્યાંથી કરશે?
રાષ્ટ્રનિર્માણમાં આ બૌદ્ધિક મગજનો સિંહફાળો છે એ ના ભૂલવું જોઈએ.
(પાછા કોઈ એમ ના કહેતા કે ખાનગી શાળાઓના શિક્ષકો તો સાવ ઓછાં પગારમાં કામ કરે છે ને!
એમના શોષણના વિરોધમાં પણ આપણે સૌએ આગળ આવવું જોઈએ)
શિક્ષકોની અને શાળાઓની કફોડી હાલત વિશે વાત કરવા માટે તો અલગ લેખ કરવો પડે એમ છે.
બસ, એ જ કહેવું છે કે સૌને સૌના હકનું આપો.
Bhupendrasinh Chudasama
CMO Gujarat
અને હા, શિક્ષકોને અપાતો પગાર બોજો નથી હોં...

