મનોજકુમાર ( જન્મ : ૨૪ જુલાઇ, ૧૯૩૭) એ હિન્દી ફિલ્મ કલાકાર અને બોલીવુડ ફિલ્મ નિર્માતા છે. તેઓ તેમની સુપરહિટ હિન્દી ફિલ્મો હરિયાલી ઔર રાસ્તા, વો કૌન થી?, હિમાલય કી ગોદ મેં, ઉપકાર, પથ્થર કે સનમ, નીલ કમલ, પૂરબ ઓર પશ્ચિમ, રોટી કપડા ઔર મકાન, શહીદ અને ક્રાંતિ માટે જાણીતા છે. તેઓ દેશભક્તિ સંબંધિત ફિલ્મોમાં અભિનય અને નિર્દેશન માટે જાણીતા છે, અને "ભારતકુમાર" ના હુલામણાં નામે જાણીતાં છે. મનોજકુમાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને સાત ફિલ્મફેર પુરસ્કારોના પ્રાપ્તકર્તા છે. ભારતીય સિનેમા અને કળામાં તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. મનોજકુમારને ૨૦૧૬માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
મનોજ કુમારનો જન્મ અબોટ્ટાબાદ, ખૈબર પખ્તુનખ્વા, પાકિસ્તાનમાં થયો હતો. તેમનું મૂળ નામ હરિકૃષ્ણા ગિરિ ગોસ્વામી છે. તેમના પિતાનું નામ એચ.એલ.ગોસ્વામી અને માતાનું નામ કૃષ્ણાકુમારી ગોસ્વામી હતું. જ્યારે મનોજકુમાર ૧૦ વર્ષના હતાં, ત્યારે તેમનું કુટુંબ વિભાજન વખતે દિલ્હી આવી ગયું હતું. તેમનું કુટુંબ વિજય નગર અને કિંગ્સ્ટ કેમ્પમાં શરણાર્થી તરીકે રહ્યું અને ત્યારે બાદ નવી દિલ્હીમાં સ્થાયી થયું હતું. દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કૉલેજમાંથી સ્નાતક થયા બાદ મનોજકુમારે ફિલ્મ ઉદ્યોગમાં દાખલ થવાનું નક્કી કર્યું.
મનોજ કુમાર યુવાનીમાં દિલીપકુમારના પ્રશંસક હતા, અને તેમનું નામ દિલીપકુમારની ફિલ્મ "શબનમ"ના પાત્રના નામ ઉપરથી પોતાનું નામ મનોજકુમાર રાખવાનું નક્કી કર્યું. ફેશનમાં નાનકડું પાત્ર ભજવ્યા બાદ, મનોજ કુમારે કાંચ કી ગુડિયામાં અગ્ર પાત્ર ભજવ્યું. વિજય ભટ્ટ દ્વારા દિગ્દર્શિત હરિયાલી ઓર રાસ્તા ફિલ્મમાં માલા સિંહા સાથે અભિનય કર્યો. સાધના સાથે તેમણે વો કૌન થી? માં અભિનય કર્યા બાદ, વિજયભટ્ટ અને માલા સિંહા સાથે હિમાલય કી ગોદ મેં ફિલ્મમાં ફરી કામ કર્યું. ૧૯૬૫માં તેમણે ભગતસિંહના જીવન પર આધારિત ફિલ્મ 'શહીદ' માં અભિનય કર્યો હતો. 'ઉપકાર' ફિલ્મ માટે મનોજકુમારને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે પણ લોકો મનોજકુમારની ફિલ્મો જોવાનું પસંદ કરે છે.
