ભારત દેશમાં દર વર્ષે ૨૩ જુલાઈના રોજ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ (National Broadcasting Day) મનાવવામાં આવે છે. ૨૩ જુલાઈ, ૧૯૨૭ના રોજ ભારતીય પ્રસારણ કંપની (Indian Broadcasting Company)એ મુંબઈ સ્ટેશનથી રેડિયો પ્રસારણ શરુ કર્યું હતું.
ઈ.સ. ૧૯૨૭માં મુંબઈ અને કોલકાતામાં ખાનગી કંપની માલિકોએ બે ટ્રાન્સમીટરોથી રેડિયો પ્રાસરણ સેવા શરૂ કરી હતી. ઈ.સ. ૧૯૩૦માં આ ટ્રાન્સમીટરોને તત્કાલીન સરકારે પોતાના નિયંત્રણમાં લીધા હતાં. સરકારે આ પ્રસારણ સેવાને "ભારતીય પ્રસારણ સેવા"નું નામ આપીને ચલાવાનું શરુ કર્યું હતું. ઈ.સ. ૧૯૩૫ સુધી આ રેડિયો સેવાને ભારતીય પ્રસારણ સેવાના નામથી જ ઓળખવામાં આવતું હતું. ૮ જૂન, ૧૯૩૬માં "ભારતીય પ્રસારણ સેવા"નું નામ બદલીને "ઑલ ઈન્ડિયા રેડિયો" (AIR) રાખવામાં આવ્યું.
ઈ.સ. ૧૯૫૭માં ઑલ ઈન્ડિયા રેડિયોનું નામ બદલવામાં આવ્યું અને"આકાશવાણી"નામ અપાયું. આજે લગભગ દેશના દરેક ભાગમાં રેડિયોની પહોંચ છે. ૧૯૨૭થી જ રેડિયોભારતીય લોકોના જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની રહ્યો છે. "બહુજન હિતાય, બહુજનસુખાય" સૂત્ર સાથે ઑલ ઈન્ડિયા રેડિયો ઘણું આગળ વધ્યું છે. સતત સૂચનાઓ, શિક્ષણઅને મનોરંજન ઉપલબ્ધ કરાવતી આ "આકાશવાણી" વિશ્વની સૌથી મોટી લોક પ્રસારણસેવાઓમાંની એક છે.
ભારતની જાહેર સેવા પ્રસારણકર્તા પ્રસાર ભારતી એ વિશ્વની સૌથી મોટી પ્રસારણ સંસ્થાઓમાંની એક છે. પ્રસાર ભારતી પાસે દેશભરમાં ૪૦૦ થી વધુ પ્રસારણ કેન્દ્રો છે, જે દેશના લગભગ ૯૨% વિસ્તાર અને કુલ વસ્તીના ૯૯.૧૯%ને આવરી લે છે. ઑલ ઈન્ડિયા રેડિયો મૂળરૂપે આશરે ૨૩ ભાષાઓ અને ૧૪૬ બોલીઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. મધ્યમ અને શોર્ટ વેવ સેવાઓ દ્વારા તે આશરે ૧૫૦ દેશો સુધી પહોંચે છે. પ્રસાર ભારતીની NewsonAIR મોબાઈલ એપના એક મિલિયનથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ એપ પર ઑલ ઈન્ડિયા રેડિયોની તમામ ચેનલોને ડિજિટલ સ્વરૂપમાં સાંભળી શકાય છે. હવે ઈન્ટરનેટ સાથે સીધા કનેક્ટ થઈને પણ રેડિયોનો આનંદ લઈ શકાય છે. આજના સમયમાં લોકો પાસે મનોરંજનના ઘણા માધ્યમો છે તેમ છતાં આજે પણ લોકો રેડિયોના કાર્યક્રમોને પસંદ કરે છે.
