હિમેશ રેશમિયા (જન્મ: ૨૩ જુલાઈ, ૧૯૭૩) એક ભારતીય સંગીતનિર્દેશક, સંયોજક, પાર્શ્વગાયક અને અભિનેતા છે.
હિમેશ રેશમિયાનો જન્મ મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. તેમના ગીતો જેવાં કે, 'તેરા સુરૂર', 'ઝરા ઝૂમ ઝૂમ' અને 'તનહાઇયાં' ખૂબ જ લોકપ્રિય થયા છે. 'આપ કા સુરૂર' હિમેશ રેશમિયાનો ગાયક તરીકે પ્રથમ આલ્બમ હતો. હિમેશ રેશમિયાએ 'તેરે નામ', 'ઇશ્ક હૈ તુમસે', 'ક્યોં કી', મૈંને પ્યાર ક્યું કિયા', 'ચુરા લિયા હૈ તુમને', 'ઐતરાઝ','પ્યાર કિયા તો ડરના ક્યા', 'હેલો બ્રધર', 'દુલ્હન હમ લે જાયેંગે', 'કહીં પ્યાર ના હો જાયે', 'ક્યા દિલ ને કહા', 'હમરાઝ' વગેરે ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ કર્યું છે. આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકે 'આપ કા સુરૂર - ધ રિઅલ લવ સ્ટોરી', 'કર્ઝ', 'રૅડિયો', 'કજરારે', 'ખિલાડી ૭૮૬' વગેરે ફિલ્મોમાં કામ કર્યું છે.
સંગીતનિર્દેશક બનતાં પહેલા, હિમેશ રેશમિયાએ ઝી ટીવી માટે 'અમરપ્રેમ' અને 'અંદાઝ' સહિત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યુ છે. આ બન્ને શ્રેણીઓનાં ટાઇટલ ગીતમાં પણ તેમણે સંગીત આપ્યું હતું. ઝી ટીવીની સા રે ગ મ ૫ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ૨૦૦૭ની શ્રેણીમાં તેઓ વિજયી રહ્યા હતા.
હિમેશ રેશમિયાએ ૨૦૦૬માં 'આશિક બનાયા આપને' માટે ફિલ્મફૅર શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વગાયક પુરસ્કાર જીત્યો હતો. હિમેશ રેશમિયાએ કોમલ સાથે લગ્ન કર્યા હતા.
