ઘનશ્યામભાઈ છોટાલાલ ઓઝા (જન્મ : ૨૫ ઑક્ટોબર, ૧૯૧૧ અવસાન : ૧૨ જુલાઇ, ૨૦૦૨) ગુજરાતના ચોથા મુખ્યમંત્રી હતા, તેઓએ બી.એ.,એલ.એલ.બી. સુધી અભ્યાસ કરેલો. તેઓ ૧૯૪૮ થી ૧૯૫૬ સુધી ત્યારના સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભાના સભ્ય હતા. પછીથી ૧૯૫૬માં તેઓ ત્યારના મુંબઈ રાજ્યની વિધાનસભાના સભ્ય બન્યા. ૧૯૫૭ થી ૧૯૬૭ સુધી અને ફરીથી ૧૯૭૧ થી ૧૯૭૨ સુધી તેઓ લોકસભાના સભ્ય રહ્યા. પછીથી ૧૦ એપ્રિલ, ૧૯૭૮ થી ૯ એપ્રિલ, ૧૯૮૪ સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. ૧૯૭૨-૭૪ દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા. ઘનશ્યામભાઈ ઓઝા ૧૭ માર્ચ, ૧૯૭૨ થી ૧૭ જુલાઇ, ૧૯૭૩ સુધી ગુજરાતના ચોથા મુખ્યમંત્રીના પદ પર રહ્યાં હતા.
ઘનશ્યામભાઈ ઓઝાનો જન્મ ૨૫ ઑક્ટોબર, ૧૯૧૧ના રોજ ગુજરાતના ઉમરાળા ગામમાં થયો હતો. ઘનશ્યામભાઈ ઓઝાના પિતાનું નામ છોટાલાલ અને માતાનું નામ સવિતાબહેન હતું. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પમાં (સુરેન્દ્રનગર) લીધું. ઇતિહાસ, અર્થશાસ્ત્ર સાથે બી.એ. સુધીનું શિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું. કૉલેજકાળ દરમિયાન વિદ્યાર્થી પ્રતિનિધિ સમિતિના પ્રમુખ હતા. એલએલ.બી.નો
અભ્યાસ મુંબઈમાં કર્યો. ઘનશ્યામભાઈના પત્નીનું નામ રમાલક્ષ્મી હતું. ભાવનગર રાજ્યમાં જવાબદાર તંત્રના પ્રધાનમંડળમાં તે ગૃહ ખાતાના પ્રધાન હતા. વર્ષ ૧૯૪૮માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ઉછરંગરાય ઢેબરના મંત્રીમંડળમાં તેમણે શિક્ષણ અને મજૂર ખાતાં સંભાળ્યાં હતાં. ભારતની લોકસભામાં પ્રથમ સુરેન્દ્રનગરના અને પછી રાજકોટના પ્રતિનિધિ તરીકે અનુક્રમે વર્ષ ૧૯૫૭ અને વર્ષ ૧૯૭૧માં ચૂંટાયા હતા.
ઈન્દિરા ગાંધીના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેમણે ઉદ્યોગખાતું એકાદ વરસ સંભાળ્યું હતું. વર્ષ ૧૯૭૨માં તેમણે ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રીપદ સ્વીકાર્યું હતું અને દહેગામની વિધાનસભાની બેઠક પરથી ચૂંટાયા હતા. ૧૯૭૩માં ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ એક વર્ષ ખાદી બૉર્ડના અધ્યક્ષપદે તથા વર્ષ ૧૯૭૮થી ૧૯૮૪ સુધી રાજ્યસભાના સભ્યપદે રહ્યા. આ સાથે જન્મભૂમિ ગ્રૂપ ઑવ્ ન્યૂઝ પેપર્સના ચૅરમૅન ટ્રસ્ટી તરીકે વર્ષ ૧૯૯૭ સુધી સેવાઓ આપેલી.
ઘનશ્યામભાઈ ઓઝાનું અવસાન ૧૨ જુલાઈ, ૨૦૦૨ના રોજ અમદવાદ ખાતે થયું હતું.

.jpeg)
.jpeg)