કરસનદાસ મૂળજી (જન્મ : ૨૫ જુલાઈ, ૧૮૩૨ - અવસાન : ૨૮ ઑગસ્ટ, ૧૮૭૫) ઓગણીસમી સદીના ગુજરાતના પત્રકાર, લેખક અને સમાજ સુધારક હતા.
કરસનદાસ મૂળજીનો જન્મ ૨૫ જુલાઈ, ૧૮૩૨ના રોજ મુંબઈ ખાતે એક કપોળ વ્યાપારી કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ મૂળ સૌરાષ્ટ્રનું વતની હતું. કરસનદાસે માધ્યમિક કક્ષા સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ સ્થાનિક શાળામાં શિક્ષક બન્યા અને ૧૮૫૫માં સત્યપ્રકાશ નામનું ગુજરાતી સાપ્તાહિક શરૂ કર્યું હતું.
૧૮૬૩માં ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી. ૧૮૬૭માં તેમણે બીજી વાર ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. ૧૮૭૪માં તેમને કાઠિયાવાડના સંચાલક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
કરસનદાસ મૂળજીએ નીતિવચન, કુટુંબમિત્ર, નિંબધમાળા, ઇંગ્લેન્ડનો પ્રવાસ, શબ્દકોશ વગેરે ગ્રંથો લખ્યા છે. મહીપતરામ રૂપરામ નીલકંઠે કરસનદાસ મૂળજીનું જીવન ચરિત્ર ૧૮૭૭માં ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર નામે લખ્યું હતું.
૨૮ ઑગસ્ટ, ૧૮૭૫ના રોજ તેમનું અવસાન થયું હતું.
મહારાષ્ટ્રના માથેરાનમાં તેમના નામ પર એક પુસ્તકાલય કરસનદાસ મૂળજી મ્યુનિસિપલ લાઇબ્રેરી ૧૮૯૭માં સ્થાપવામાં આવ્યું હતું.
