ગંગુબાઈ હંગલ (જન્મ : ૫ માર્ચ, ૧૯૧૩ – અવસાન : ૨૧ જુલાઇ, ૨૦૦૯) ભારતીય શાસ્ત્રીય સંગીતની ખયાલ શૈલીનાં ગાયિકા હતા, તેઓ તેમનાં ઊંડા અને બુલંદ અવાજ માટે જાણીતા હતા. હંગલ 'કિરાના ઘરાના'નાં નોંધનીય સભ્યોમાંના એક હતા.
ગંગુબાઈ હંગલનો જન્મ કર્ણાટકનાં ધારવાડ ગામે, 'ચિક્કુરાવ નાદીગર' અને અંબાબાઇને ત્યાં થયો હતો. ગંગુબાઇએ ફક્ત પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તેમનું કુટુંબ વર્ષ ૧૯૨૮માં હુબલી રહેવા ગયું. પ્રારંભમાં, માનવંતા ગુરુ 'સવાઇ ગંધર્વ' પાસે શિક્ષણ લેતા પહેલાં,ક્રિષ્નાચાર્ય અને દત્તોપંત દેસાઈ પાસે તેણીએ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો.
ગંગુબાઈ હંગલના લગ્ન ગુરુ રાવ કૌલગી સાથે થયાં હતાં. તેઓએ કર્ણાટક વિદ્યાપીઠમાં માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવા આપી. વર્ષ ૨૦૦૨માં ગંગુબાઇ હંગલને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેણીએ પોતાનો છેલ્લો કાર્યક્રમ માર્ચ ૨૦૦૬માં આપ્યો હતો. તેણીની આત્મકથાનું નામ "મારા જીવનનું સંગીત" છે.
ગંગુબાઈ હંગલને ઘણાં સન્માન મળ્યાં હતા : કર્ણાટક સંગીત નૃત્ય અકાદમી પુરસ્કાર, પદ્મ ભુષણ, પદ્મ વિભુષણ, સંગીત નાટક અકાદમી પુરસ્કાર, સંગીત નાટક અકાદમી ફેલોશીપ.
૨૧ જુલાઈ, ૨૦૦૯ ના રોજ ગંગુબાઈ હંગલનું અવસાન થયું હતું.
