એડવર્ડ જેમ્સ "જીમ" કોર્બેટ (જન્મ : ૨૫ જુલાઈ ૧૮૭૫ - અવસાન : ૧૯ એપ્રિલ ૧૯૫૫)એ એક બ્રિટિશ મૂળના ભારતીય હતા. તેમનો જન્મ: ૨૫ જુલાઇ ૧૮૭૫ના દીવસે ભારતનાં નૈનિતાલમાં થયો હતો અને તેમનું અવસાન ૧૯ એપ્રિલ ૧૯૫૫ના રોજ, કેન્યાનાં ન્યેરી ખાતે થયું. તેઓ પ્રકૃતિ-સંરક્ષણવિદ્ હતા. એમની સ્મૃતિમાં હિમાલયના કુમાઉ વિસ્તારમાં આવેલા સુરક્ષિત વનવિસ્તારને 'જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન' નામ આપવામાં આવ્યું છે.
જીમ કોર્બેટનો જન્મ ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલા કુમાઉ વિસ્તારના નૈનિતાલમાં થયો હતો. વિલીયમ ક્રિસ્ટોફર અને મેરી જેન કોર્બેટ, જીમના માતા-પિતા હતા. ૧૮૬૨ની સાલમાં વિલીયમ ક્રિસ્ટોફરને નૈનિતાલના પોસ્ટમાસ્ટર તરીકે નોકરી માળવાને કારણે નૈનિતાલ વસવા માટે આવ્યા હતા. જીમ કોર્બેટની ઉંમર ૪ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થતા, વિલીયમ ક્રિસ્ટોફર કોર્બેટના સૌથી મોટા પુત્ર ટોમને એ પદ મળ્યું. છેલ્લે એ લોકો રહેતા હતા તે ઘરને જનતાને જોવા માટે સંગ્રહાલય તરીકે સાચવી રાખવામાં આવ્યું છે.
જીમ કોર્બેટે પોતાનો પ્રથમ કેમેરા ઇ.સ. ૧૯૨૦ વર્ષના છેલ્લા ભાગના સમય દરમ્યાન, પોતાના એક મિત્ર ફેડરીક વોલ્ટર પીટરની પ્રેરણાથી ખરીદ્યો હતો અને એ પછી એમણે વાઘની તસ્વીરો લેવાનું ચાલુ કરેલું.
સમય જતા જીમ કોર્બેટ વાઘના વસવાટ અને ભવિષ્યની બાબત ખૂબ જ ચિંતિત થવા લાગ્યા. આથી તેઓ શાળાના બાળકોના સમુહને પ્રાકૃતિક વારસા તથા તેની સાચવણી કરવાનું શીક્ષણ આપવા માટેના વ્યાખ્યાનો યોજવા લાગ્યા. એમણે "એસોશીએશન ફોર ધી પ્રિઝર્વેશન ઓફ ગેમ્સ" અને "ઓલ ઇન્ડીયા કોન્ફરન્સ ફોર ધી પ્રિઝર્વેશન ઓફ વાઇલ્ડલાઇફ" નામનાં સંગઠનને પ્રોત્સાહન આપવાનું કામ શરૂ કરી દીધુ.
તેમણે કુમાઉ પર્વતમાળામાં "હેઇલી નેશનલ પાર્ક"ના નામના ભારતના સર્વ પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવા માટે ચાવીરૂપ ભૂમિકા ભજવી. આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ ઇ.સ. ૧૯૫૭થી જીમ કોર્બેટની સ્મૃતિમાં "જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન" કરવામાં આવ્યું.
