સાતપુડા પર્વતમાળા એ મધ્ય ભારતમાં આવેલી એક પર્વતમાળા છે. આ પર્વતમાળા પૂર્વી ગુજરાતમાં શરુ થઈ પૂર્વ તરફ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ થઈ છત્તીસગઢ સુધી ચાલે છે. આ પર્વતમાળા તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય પર્વતમાળાને સમાંતર છે. વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશને છૂટી પાડે છે.
ઉત્તરના ઢોળાવો પરથી વહી નર્મદા નદી વિંધ્ય અને સાતપુડા પર્વત વચ્ચેના પ્રદેશમાંથી પશ્ચિમ તરફ વહી અરબી સમુદ્રને મળે છે.
સાતપુડા પશ્ચિમ છેડાના દક્ષિણ ઢોળાવ પરથી વહી તાપી નદી પશ્ચિમ તરફ વહી અરબી સમુદ્રને મળે છે. સાતપુડા પર્વતમાળાના મધ્ય અને પૂર્વી ઢોળાવો પરથી વહી ગોદાવરી નદી અને તેની ઉપનદીઓ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં વહે છે. મહા નદી આ પર્વત માળાના પૂર્વી છેડેથી નીકળે છે. ગોદાવરી અને મહા નદી બંગાળના ઉપસાગરને મળે છે. તેના પૂર્વી છેડે સાતપુડા પર્વતમાળા છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશની ટેકરીઓને મળે છે.
પહેલાના સમયમાં સાતપુડા પર્વતમાળામાં ગાઢ જંગલો આવેલાં હતાં. હવે તો મોટા ભાગના જંગલો નાશ પામ્યાં છે. પણ અમુક જંગલો હજી પણ વિહરમાન છે. આ જંગલો અમુક જીવોનું આશ્રય સ્થાન છે જેમકે વાઘ, ગૌડ, ધોલે, સ્લોથ બીયર, ચૌસિંગા અને કાળિયાર. આ પર્વતમાળાના પશ્ચિમ ભાગ કરતાં પૂર્વી ભાગમાં વધુ વરસાદ પડે છે. આ પર્વતનો પૂર્વ ભાગ અને પૂર્વી ઘાટ મળીને પૂર્વી ક્ષેત્રના ભેજવાળા પાનખરના જંગલોની પારિસ્થિતિકી ક્ષેત્ર રચે છે.
સાતપુડા પર્વતમાળામાં ઘણાં સુરક્ષિત ક્ષેત્રો આવેલા છે. જેમ કે યવાલ, અન્બાબારવા, વાન, નર્નાલા, ગુગામાલ, મેલઘાટ, પેન્ચ (મહારાષ્ટ્ર), પેન્ચ (મધ્ય પ્રદેશ), કાન્હા, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, પંચમઢી અને બોરી.
