જે.આર.ડી ટાટાનો જન્મ ૨૯ જુલાઈ ૧૯૦૪ના રોજ પેરિસમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ રતનજી ટાટા અને તેમનાં ફ્રેન્ચ પત્ની સુઝેન બ્રિએરના બીજા પુત્ર હતાં. તેઓનું શરુઆતનું શિક્ષણ પેરિસમાં અને ત્યારબાદ મુબંઈની કેથ્રેડલ એન્ડ જોહન કેનોન સ્કુલમાં થયું હતું. ૧૯૨૩માં તેઓ ઉચ્ચશિક્ષા માટે ઈંગ્લેન્ડ ગયા હતા અને પરત આવીને પોતાના પિતા સાથે ટાટા ગ્રૂપની કંપનીમા જોડાયા હતાં. ૧૯૨૯માં તેઓએ પોતાની ફ્રેન્ચ નાગરીકતા છોડીને ભારતીય નાગરિકતા અપનાવી હતી.
૧૯૨૯ની સાલમાં જે.આર.ડી.ટાટાએ દેશમાં સૌપ્રથમ વિમાનચાલકનું લાઇસન્સ મેળવ્યુ હતું. ૧૯૩૨માં તેઓએ ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી જે પાછળથી એર ઇન્ડીયામાં પરિવર્તીત થઈ હતી. ૫મી ઓક્ટોબર ૧૯૩૨ના રોજ જે.આર.ડી. ટાટાએ દેશની સૌપ્રથમ વિમાનસેવાનું ઉડ્ડયન કરાંચીથી મદ્રાસ સુધી કર્યુ હતું. ૧૯૩૨ થી ૧૯૫૩ સુધી તેઓ ટાટા એરલાઇનનાં ચેરમેન પદે રહ્યા હતાં. ૧૯૩૮ની સાલમાં માત્ર ૩૪વર્ષની ઉંમરે તેઓ ટાટા ગ્રૂપ કંપનીના ચેરમેન નિમાયા હતાં. તેમનાં સમયગાળા દરમ્યાન તેઓએ ટાટા ગ્રૂપનો પોલાદ,ઇજનેરી,પાવર,રસાયણ અને હોટેલ ઉદ્યોગનાં વિકાસમાં ફાળો આપ્યો હતો. ૧૯૪૫માં તેઓએ દેશની વધતી જતી મોટરગાડીની માંગ પુરી કરવા ટાટા મોટર કંપનીની સ્થાપના કરી હતી. જે. આર.ડી.ટાટાની જ આગેવાની હેઠળ ૧૯૬૮માં ટાટા કન્સલ્ટીંગ કંપનીની સ્થાપના કરી હતી.
જે.આર.ડી. ટાટાની સેવાઓની કદર રુપે ભારત સરકાર દ્વારા ૧૯૫૫માં 'પદ્મ વિભૂષણ' અને ૧૯૯૨માં દેશનો સર્વોચ્ય 'ભારત રત્ન' એનાયત કરાયો હતો.
જે.આર.ડી. ટાટાનું અવસાન જીનીવા ખાતે ૨૯મી નવેમ્બર ૧૯૯૩ના રોજ થયું હતું.
