અવિનાશ અનંતરાય વ્યાસ (જન્મ : ૨૧ જુલાઈ, ૧૯૧૨ - અવસાન : ૨૦ ઑગસ્ટ, ૧૯૮૪) ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર અને ગુજરાતી સિનેમાના ગાયક હતા. અવિનાશ વ્યાસે ૧૯૦ કરતાં વધુ ગુજરાતી ચલચિત્રોમાં સંગીત આપ્યું હતું. તેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. તેમને ભારત સરકાર તરફથી ૧૯૭૦માં ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અર્પણ થયો હતો.
અવિનાશ વ્યાસનો જન્મ ગુજરાતમાં ૨૧ જુલાઇ, ૧૯૧૨ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ આનંદરાય અને માતાનું નામ મણિબહેન હતું. અવિનાશ વ્યાસે તેમની પ્રારંભિક સંગીત તાલીમ ઉસ્તાદ અલ્લાઉદિન ખાન પાસે લીધી હતી. તેમની કારકિર્દીની શરૂઆત HMV સાથે યંગ ઇન્ડિયા હેઠળ થઇ હતી જ્યાં અવિનાશ વ્યાસે તેમની પ્રથમ ગ્રામોફોન રેકર્ડ ૧૯૪૦માં બહાર પાડી હતી અને ચલચિત્ર ઉદ્યોગમાં ગુજરાતી ચલચિત્ર 'મહાસતી અનસુયા' સાથે ૧૯૪૩માં પ્રખ્યાત સંગીતકાર ઉસ્તાદ અલ્લા રખાં સાથે બેલડી બનાવીને કરી હતી. તેમનું પ્રથમ મોટું સફળ ચલચિત્ર ૧૯૪૮માં ગુણસુંદરી હતું, જે ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં દ્વિભાષી ચલચિત્ર હતું.
તેમણે ૧૯૦ હિન્દી અને ગુજરાતી ચલચિત્રો માટે ૧૨૦૦ ગીતોને સંગીતબદ્ધ કર્યા હતા, તેમને સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી છે. તેમણે તેમના સમયના મોટાભાગના મુખ્ય ગીતકારો જેવા કે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત, સમુમન કલ્યાણપુર, મુકેશ, હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર સાથે કામ કર્યું હતું. તેમણે કમાર જલાલાબાદી, ઇન્દિવર, ભરત વ્યાસ અને રાજા મહેંદી અલી ખાન જેવા ગીતકારો સાથે બેલડી બનાવીને ગીતો લખ્યા હતા. ગીતા દત્ત તેમના માનીતા ગીતકાર હતા અને તેણીએ બંગાળી હોવા છતાં ગુજરાતી ચલચિત્રોમાં વધુ ગીતો ગાયા હતા.
અવિનાશ વ્યાસે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે, પણ તેઓ તેમણે લખેલ ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ધ છે. તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભક્તિભાવ તેની અભિવ્યક્તિ માટે અજોડ ગણાય છે.
અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ધ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ હતી. સુગમ સંગીત ઉપરાંત તેમણે ગુજરાતી ચલચિત્રોમાં પણ સંગીત આપ્યું છે. કવિ પ્રદીપજીના ખૂબ પ્રખ્યાત ગીત "પીંજરે કે પંછી રે, તેરા દર્દ ના જાને કોઇ" ને તેમણે સ્વરબદ્ધ કરેલુ. તેમને કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યા ભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.
