અરુણાનો જન્મ ૧૬ જુલાઈ, ૧૯૦૯ના રોજ હરિયાણા (તત્કાલીન પંજાબ)ના કાલકા નામના સ્થળે થયો હતો. તેમના પિતાનું નામ ઉપેન્દ્રનાથ ગાંગુલી અને માતાનું નામ અંબાલિકા દેવી હતું. અરુણાના બહેન પૂર્ણિમા બેનરજી બંધારણ સભાના સભ્ય હતા. અરુણાનો પ્રારંભિક અભ્યાસ સેક્રિડ હાર્ટ કોન્વેન્ટ, લાહોર અને ઑલ સેન્ટ'સ કૉલેજ નૈનિતાલમાં થયો. સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે કલકત્તાની ગોખલે મેમોરિયલ સ્કૂલમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. ૧૯૨૮માં તેમની મુલાકાત કોંગ્રેસી નેતા આસફ અલી સાથે થઈ. બન્ને લગ્નગ્રંથીથી જોડાયાં.
તેઓ આસફ અલી સાથેના લગ્ન બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા તથા દાંડી સત્યાગ્રહ દરમિયાન જાહેર સભાઓમાં ભાગ લીધો. ૧૯૩૨માં તેમની ધરપકડ બાદ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા. અહીં તેમએ રાજનૈતિક કેદીઓ પ્રત્યેના ઉદાસીન વ્યવહાર બદલ ભૂખ હડતાળ શરૂ કરી. તેમના પ્રયાસોથી તિહાડ જેલની સ્થિતિમાં બદલાવ આવ્યો. બાદમાં તેમણે અંબાલા ખાતે એકાંત કારાવાસ માટે મોકલી આપવામાં આવ્યા. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ અસક્રિય રહ્યા પરંતુ ૧૯૪૨ના અંતમાં તેમણે ભૂમિગત ગતિવિધિઓ શરૂ કરી અને સ્વતંત્રતા આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા.
૧૯૫૮માં તેઓ દિલ્હીના મેયર બન્યા. તેમણે નારાયણન સાથે મળીને લિંક પબ્લીકેશનની શરૂઆત કરી તથા તે જ વર્ષે દૈનિક સમાચારપત્ર પેટ્રીઓટ અને સાપ્તાહિક લિંકનું પ્રકાશન કાર્ય શરૂ કર્યું. જવાહરલાલ નહેરુ, કૃષ્ણ મેનન તથા બીજુ પટનાયક જેવા નેતાઓના સંરક્ષણને પરિણામે પ્રકાશન પ્રતિષ્ઠિત બનતું રહ્યું. ૨૯ જુલાઇ, ૧૯૯૬ના રોજ ૮૭ વર્ષની ઉંમરે દિલ્હી ખાતે તેમનું અવસાન થયું.
અરુણા આસફ અલીને ૧૯૬૪માં આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર તથા ૧૯૯૧માં જવાહરલાલ નહેરુ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં. ૧૯૯૨માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં તથા ૧૯૯૭માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી (મરણોત્તર) સન્માનિત કરવામાં આવ્યાં. ૧૯૯૮માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
