મનુભાઈ ત્રિભુવનદાસ ત્રિવેદી (જન્મ : ૨૬ જુલાઈ, ૧૯૧૪ અવસાન : ૯ એપ્રિલ, ૧૯૭૨) : ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર. 'સરોદ'ના ઉપનામથી તેમણે મુખ્યત્વે ભજન રચનાઓ અને અન્ય કેટલુંક ગદ્યલેખન કરેલું છે તથા 'ગાફિલ'ના ઉપનામે ગઝલ-સર્જન કર્યું छे.
મનુભાઈ ત્રિવેદીનો જન્મ ૨૬ જુલાઈ, ૧૯૧૪ના રોજ રાજકોટ ખાતે થયો હતો. તેમનું વતન માણાવદર હતું. મનુભાઈ ત્રિવેદીએ માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેળવ્યું હતું. કૉલેજનું શિક્ષણ જૂનાગઢ અને અમદાવાદ ખાતે થયેલું. એલએલ.બી. થઈને થઈને વકીલાત કર્યા બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે સેવા આપી. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, ગોંડલ વગેરેસ્થળે કામગીરી કર્યા બાદ અંતે સ્મોલ કૉઝ કોર્ટ, અમદાવાદમાં ન્યાયાધીશપદે સેવા આપી હતી. 'રામરસ' અને 'સુરતા' મનુભાઈ ત્રિવેદીના ભજનસંગ્રહો છે. મનુભાઈ ત્રિવેદીના અવસાન બાદ શ્રી મકરન્દ દવેએ સંપાદિત કરેલ ગઝલસંગ્રહ ‘બંદગી' પ્રગટ થયેલ છે. આ ઉપરાંત કવિની છાંદસ કૃતિઓ સહિત ભજનો, ગીતો, ગઝલો અને થોડાં બાલકાવ્યોનો સંગ્રહ શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનથી 'પવન પગથિયાં' પ્રગટ થયો છે.
મનુભાઈ ત્રિવેદીનું અવસાન ૯ એપ્રિલ, ૧૯૭૨ના રોજ અમદાવાદખાતે થયું હતું.
