પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના
નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત
છે. પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શેત્રુંજય પર્વત)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગૂહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે.
પાલીતાણા એક રજવાડું હતું જેની સ્થાપના ઈ.સ. ૧૧૯૪માં થઈ હતી. તેના શાસક હિંદુ ગોહિલ કુળના રાજવી હતાં. ઈ.સ. ૨૦૧૪માં પાલિતાણા વિશ્વનું સૌપ્રથમ કાયદાકીય રીતે શાકાહારી શહેર બન્યું હતું.
પાલીતાણાથી સૌથી નજીકનું વિમાનમથક ૫૦ કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. પાલીતાણામાં રેલવે સ્ટેશન છે જે ભાવનગર સાથે જોડાયેલું છે અને ભાવનગર અમદાવાદ સાથે જોડાયેલું છે. નજીકમાં સિહોર જંકશન આવેલું છે. પાલીતાણામાં ભાવનગર, અમદાવાદ, તળાજા, ઉના, દીવ, મુંબઈ, રાજકોટ વગરે શહેરોથી નિયમિત બસો આવતી હોય છે.
