કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી (જન્મ : ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૧ - અવસાન : ૨૩ જુલાઈ, ૧૯૬૦) ગુજરાતી ભાષાના કવિ અને નાટ્યકાર હતા.
કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મ ઉમરાળામાં (હવે ભાવનગર જિલ્લામાં) થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ લહેરીબહેન હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં અને માધ્યમિક શિક્ષણ દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં થયું. ૧૯૨૯માં તેઓ ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. ૧૯૩૦ ની ઐતિહાસિક દાંડીકૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ થયો. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી તેઓ ૧૯૩૧માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ૧૯૩૩માં ત્યાંથી સ્નાતક થયા. બીજે વર્ષે રવિન્દ્રનાથ ટાગોર તેમ જ એક અમેરિકન શિક્ષકની સલાહથી વધુ અભ્યાસાર્થે અમેરિકા ગયા. કૃષ્ણલાલ શ્રીધરાણી ઈ. સ.૧૯૩૫માં ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ. થયા. ઈ.સ. ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ‘ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ જર્નાલિઝમ'માંથી એમ.એસ. થયા. એ જ યુનિવર્સિટીમાં ચાર વર્ષ અભ્યાસ કરીને સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં પીએચ.ડી. કર્યું. ૧૯૪૫ પછી ‘અમૃત બાઝાર પત્રિકા' માટે લખવાનું શરૂ કર્યું.
૧૯૪૬માં ભારત આવ્યા પછી પત્રકારત્વ એમની મુખ્ય પ્રવૃત્તિ હતી. કૃષ્ણલાલ શ્રીધરાણીના લગ્ન સુંદરીબહેન સાથે થયા હતા. કૃષ્ણલાલ શ્રીધરાણી ૧૯૪૬માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા. ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો.
સાહિત્ય સર્જન : કૃષ્ણલાલ શ્રીધરાણી 'કોડિયાં'માં સંગૃહીત એમની કવિતા લોકપ્રિય બની છે. તેમણે 'પુનરપિ' કાવ્યસંગ્રહનું સર્જન કર્યું હતું. એમણે નાનાં-મોટાં મળી સોળ નાટકો લખ્યાં છે. ‘વડલો' એમની સશક્ત નાટ્યકૃતિ છે. 'પદ્મિની' ઈતિહાસપ્રસિદ્ધ કથાવસ્તુથી રચાયેલી સબળ કૃતિ છે. 'પીળાં પલાશ' અને 'સોનપરી' બાળનાટકો છે. ‘પિયાગોરી'માં એકાંકીઓ સમાવેશ પામ્યાં છે. સામાજિક નાટક 'મોરનાં ઈંડાં' ખાસ્સું પ્રચલિત બન્યું છે. તેમણે ‘ઇન્સાફ મિટા દૂંગા' વાર્તાસંગ્રહનું સર્જન કર્યું હતું અને અંગ્રેજીમાં પણ કેટલાક પુસ્તકોનું સર્જન કર્યું છે.
૨૩ જુલાઈ, ૧૯૬૦ના રોજ દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું.
