મુકેશ (જન્મ : ૨૨ જુલાઈ ૧૯૨૩ - અવસાન : ૨૭ ઓગષ્ટ ૧૯૭૬) ખૂબ જ જાણીતા ભારતીય પાર્શ્વગાયક હતા. તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાં થાય છે. તેમની ગાયકી માટે મળેલાં પુરસ્કારોમાં 'રજનીગંધા' ફિલ્મનું 'કઈ બાર યું હી દેખા હૈ..' ગીત માટે તેમને શ્રેષ્ઠ પુરૂષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ મળેલ છે. મુકેશ અભિનેતા રાજકપૂર, મનોજ કુમાર, દિલીપ કુમાર તેમજ સુનિલ દતના અવાજ તરીકે પ્રખ્યાત હતા.
મુકેશનો જન્મ તારીખ ૨૨ જુલાઈ ૧૯૨૩માં દિલ્હી ખાતે થયો હતો. મુકેશના પિતાનું નામ જોરાવર ચંદ માથુર અને માતાનું નામ ચંદ્રાણી માથુર હતું. તેઓએ તેમની બહેન સુંદર પિયારીના સંગીત શિક્ષક પાસેથી સંગીતનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું.
મુકેશના અવાજની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ. મુકેશના બહેનના લગ્નમાં એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા અને એમના ઘરમાં રહેવા કહ્યું. મુકેશને ગાવાનું પ્રશિક્ષણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી હતી. મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ 'નિર્દોષ' (૧૯૪૧) માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું હતું. ૧૯૪૫ માં રજુ થયેલી ફિલ્મ 'પહલી નઝર' માં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો.
મુકેશે એક અભિનેતા તરીકે તેમની કારકિર્દીની શરૂઆત ૧૯૪૧માં રજૂ થયેલી ફિલ્મ 'નિર્દોષ'થી કરી. તેમની બીજી ફિલ્મ 'અદબ અર્જ' હતી. ૧૯૫૩માં રાજકપૂરને મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ 'આહ'માં મહેમાન ભૂમિકા ભજવી હતી. આ જ વર્ષે આવેલી ફિલ્મ 'માશૂકા'માં તેમણે મુખ્ય અભિનેતાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ અનુરાગ (૧૯૫૬) માં તેઓ મુખ્ય અભિનેતા ઉપરાંત સહ નિર્માતા અને સંગીતકાર પણ હતા. ૧૯૫૧માં આવેલી ફિલ્મ મલ્હારના નિર્માતા પણ મુકેશ જ હતા.
મુકેશના લગ્ન સરલા ત્રિવેદી સાથે થયા હતાં. મુકેશને ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. ૧૯૭૬ના વર્ષમાં જ્યારે તેઓ અમેરીકામાં એક કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે તારીખ ૨૭ ઑગસ્ટ ૧૯૭૬માં હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું.
