મધુસૂદન ઢાંકીનો જન્મ ૩૧ જુલાઈ ૧૯૨૭ના રોજ ગુજરાતના પોરબંદર વિસ્તારમાં થયો હતો. તેમણે પોરબંદર ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેમની અટક પોરબંદર નજીક આવેલા તેમના મૂળ વતન ઢાંક પરથી હતી. તેઓ ભૂસ્તરશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયમાં ફર્ગ્યુસન કોલેજ, પુણેમાંથી સ્નાતક થયા. તેમણે થોડા સમય માટે સેન્ટ્રલ બેન્ક સાથે કામ કર્યું. તેમણે ત્રણ વર્ષ બાગાયતના ક્ષેત્રમાં સંશોધન કામ કર્યું હતું. ૧૯૫૧માં તેમણે પોરબંદર ખાતે પુરાતત્વ સંશોધન મંડળની સ્થાપના કરી. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીત પર પણ સંશોધનો કર્યા હતા. તેમણે ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમણે ડિરેક્ટર ઓફ રીસર્ચ તરીકે અમેરિકન સેન્ટર ફોર આર્ટ એન્ડ આર્કિયોલોજી, ગુડગાંવમાં ૧૯૭૬થી ૧૯૯૬ સુધી સેવા આપી હતી અને ડિરેક્ટર એમેરીટસ, રીસર્ચ તરીકે એ જ સંસ્થામાં ૨૦૦૫ સુધી સેવા આપી હતી. તેમણે આધુનિક સોમનાથ મંદિરના બાંધકામમાં પણ ફાળો આપ્યો હતો.
સર્જન : તેમણે સ્થાપત્ય અને કલા ઇતિહાસ, ખાસ કરીને ભારતીય મંદિર સ્થાપત્ય પર વ્યાપક લખ્યું હતું. તેમણે ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધનલેખો અને ૪૦૦ અન્ય લેખો લખ્યા હતા. તેમણે જૈન સાહિત્ય પર ઘણું લખ્યું હતું. તેઓ તેમના ભારતીય મંદિર સ્થાપત્ય પર લખેલ ૧૪ ગ્રંથોની શ્રેણી માટે જાણીતા છે.
મધુસૂદન ઢાંકીને ૨૦૧૦માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. ૨૦૧૦માં તેમને પદ્મભૂષણથી સન્માનવામાં આવેલા હતા. તેમને ૧૯૭૪માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. તેમને ગુજરાત ઇતિહાસ પરિષદ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
મધુસૂદન ઢાંકી ટૂંકી બીમારી પછી તેમના નારણપુરા, અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને ૨૯ જુલાઈ ૨૦૧૬ના રોજ મૃત્યુ પામ્યા.
